- મોરબીના શખ્સ સાથે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી મારામારી કરી’
- પાંચ કારના કાચ તોડી લૂંટ ચલાવી: છ શખ્સોની ધરપકડ
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી અને હિંસક મારામારીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જોરાવરનગર પોલીસ મથકની હદમાં આવેલ રતનપર વિસ્તારમાં સગાઈના પ્રસંગ દરમ્યાન અગાઉના ઝઘડા બાબતે હિંસક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પોલીસ સામે પણ પથ્થરમારાનો બનાવ બન્યો હતો જે મામલે જોરાવરનગર પોલીસ મથકે 23 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં 06 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રતનપર વિસ્તારમાં આવેલ હસ્તાપીરની દરગાહ પાસે રહેતા ફરિયાદી મહેબુબભાઈ ફતેમહંમદભાઈ ભટ્ટીની દિકરીની સગાઈ ધ્રાંગધ્રા ખાતે રહેતા સાહીલ ઈકબાલભાઈ જામ સાથે નક્કી કરી હતી આથી ફરિયાદીની દિકરીનો સગાઈ પ્રસંગ હોવાથી બહારગામથી પણ સગા-સબંધીઓ સહિત મહેમાનો સગાઈમાં આવ્યા હતા જેમાં ફરિયાદીના મીત્ર વલીમહમદ દાઉદભાઈ માણેક રહે. મોરબીવાળો પણ સગાઈના પ્રસંગમાં હાજર હતો અને સગાઈ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો અને પરિવારના સભ્યો ફરિયાદીના ઘરની બહાર બેઠા હતા તે દરમ્યાન ઘરની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં રાખેલ અંદાજે 4 થી 5 કારમાં 20 થી વધુ શખ્સો હાથમાં લાકડી, પાઈપ, ફરસી સહિતના હથિયારો સાથે કારના કાચ તોડતા અને નુકશાન કરતા જણાઈ આવ્યા હતા. આથી ફરિયાદી અને તેમના મહેમાનો તે તરફ જતા આ શખ્સો દ્વારા પથ્થરના છુટ્ટા ઘા ઝીંકી પથ્થરમારો કરતા એક મહિલા હલીમાબેન સુલેમાનભાઈ કટીયા રહે. રતનપર વાળાને પગમાં વાગતા ઈજાઓ પણ પહોંચી હતી. આ તમામ શખ્સો ફરિયાદી તેમજ તેમને ત્યાં આવેલ મહેમાનોને મનફાવે તેમ ગાળો આપી ફરિયાદીના મીત્ર વલી મહમદ દાઉદ માણેકને બહુ હવા હોવાનું જણાવ્યું હતું અને તેમના વિરૂધ્ધમાં પોલીસ કેસ કરેલા હોવાથી જાનથી મારી નાંખશે તેવી ધમકી પણ આપી હતી અને શખ્સો પૈકી એક શખ્સ યાકુબ કાળુખાન પઠાણ રહે. રતનપરવાળાએ ફરિયાદી પાસે આવી બે ઝાપટ ઝીંકી હતી અને ફરિયાદીના શર્ટના ખીસ્સામાં રહેલ રોકડ રૂા. 20,000ની લુંટ ચલાવી હતી. જે બનાવ દરમ્યાન જોરાવરનગર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચતા તમામ શખ્સો નાસી છુટયા હતા ત્યારબાદ કોમન પ્લોટમાં રહેલ કાર ચેક કરતા અલગ-અલગ પાંચ કારોના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું. જે મામલે ભોગ બનનાર ફરિયાદી મહેબુબભાઈ ભટ્ટીએ 23 શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં 23 શખ્સો પૈકી 6 શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય નાસી છુટેલ શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જોરાવરનગર પોલીસ મથકે 23 શખ્સ સામે ફરિયાદ
(1) યાકુબ કાળુખાન પઠાણ (2) કક્કો કાળુખાન પઠાણ (3) સદામ આદમ કટીયા (4) ફિરોજ દિલુભાઈ કટીયા (5) અલ્તાફ હમીદ જામ (6) ડાડુ હમીદ જામ (7) હસો હમીદ જામ (8) ઈમરાન ગફુર માલાણી (9) મહંમદ કરીમ સામતાણી (10) આમીન દિલુભાઈ કટીયા (11) સુભાન અબ્બસભાઈ મોવર (12) મોહસીન અબ્બસભાઈ મોવર (13) મુસાભાઈ મહંમદભાઈ માલાણી (14) મોહસીન મહંમદભાઈ માલાણી (15) સલીમ મસાલો (16) મુન્નાભાઈ સલીમ (17) માસ્ક સલીમભાઈ (18) અયુબ મુસા કજુડીયા (19) ઈકબાલ સલીમ કટીયા, તમામ રહે.રતનપર અને (20) રાજાબાબુ રાયસંગભાઈ માલાણી, રહે.ધ્રાંગધ્રા (21) રમજાન રાયસંગભાઈ માલાણી, રહે.ધ્રાંગધ્રા (22) સલીમ શાહરૂખ મોવર, રહે.ધ્રાંગધ્રા (23) યાસીન સલીમ મોવર, રહે.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી.