- 8 જાન્યુથી PSI અને પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીઓ શરુ
- ભર્તીને પગલે યુવાઓમાં ભારે ઉત્સાહ
સુરતના યુવાઓમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાંદેર જીમખાનામાં 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા હતા. આગામી 8 મી જાન્યુઆરીનાં રોજ PSI અને પોલીસ કોન્સ્ટેબલની ભર્તીની શારીરિક કસોટીઓ શરુ થવા જઈ રહી છે. ભર્તીને પગલે યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શારીરિક કસોટીઓમાં પુરૂષ ઉમદેવારોએ પાંચ કિલોમીટરની દોડ 25 મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ સાડા નવ મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત-દિવસ મહેનત કરનારા યુવક-યુવતીઓ માટે આજરોજ (3 જાન્યુઆરી) સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. નિર્ધારિત સમયમાં રનિંગ પુરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ક્ષઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવ્યું હતું.
8 જાન્યુઆરીએ ઉમેદવારોની શારીરિક કસોટી રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીનાં રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1 જાન્યુઆરીનાં રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો. આગામી 8 જાન્યુઆરીનાં રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે.
પુરૂષ ઉમદેવારોએ પાંચ કિલોમીટરની દોડ 25 મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.30 મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યનાં હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીનાં દિવસો બાકી છે.
આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિત નવસારીથી 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય