- સુરત મેયર, કમિશ્નર સહિતના પદાધિકારીઓ હાજર રહેશે
- એઈડ્સગ્રસ્તોને અપાતા ભથ્થામાં 15 વર્ષથી વધારો ન થયાના આક્ષેપો
- એઇડ્સ દિવસ નિમિતે વિશાલ રેલીનું આયોજન કરાશે
- એઇડ્સ ગ્રસ્ત લોકો સાથે ભેદભાવ ન થાય તે અંગે જાગૃતતા લવાશે
- મુસાફરી ભથ્થું પણ બે વર્ષથી બંધ કરી દેવાયાના આક્ષેપો
સુરતમાં પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. જેમાં રેલીથી લઈને સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લેકાર્ડ લઈને એઈડસ ગ્રસ્તો અલગ અલગ સર્કલ પર ઉભા રહેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કૌન બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાસ થનારાને સર્ટિફિકેટ અને સન્માનિત કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી એઈડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો ન કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ મુસાફરી ભથ્થું પણ બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવામાં આવ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત સહિત સમગ્ર વિશ્વમાં પહેલી ડિસેમ્બરના રોજ એઈડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. લોકોમાં એઈડ્સગ્રસ્તો પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે, સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એઈડ્સગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી એઈડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. આટલું ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય દ્વારા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે.
વિશ્વ એઈડ્સ દિવસ અગાઉ જીએસએનપી પ્લસ સંસ્થાના દક્ષા પટેલે કહ્યું કે, વિશ્વમાં 2030 અને ભારતે 2025માં એઈડસ નાબૂદીનું લક્ષ્ય સેવ્યું છે. ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઘણા સરાહનિય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે. જો કે, વર્ષ 2009થી દર્દીઓને મહિને 500 રૂપિયા આપવામાં આવતાં હતાં. જે હજુ પણ એ જ રીતે અપાય છે. ઘણી કોમ્યુનિટીમાં 2500 જેટલું અપાય છે. ત્યારે તમામ દર્દીઓમાં ઉંમર, વય, ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને 2500 જેટલું ભથ્થું અપાય તો જરૂરિયામંદોને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભથ્થાને સરકારે બે વર્ષથી બંધ કરી દીધું છે. જે ફરી શરૂ કરાવાય તેવા અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ.
પહેલી ડિસેમ્બર આવતીકાલના રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. જેમાં રેલીથી લઈને સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લેકાર્ડ લઈને એઈડસ ગ્રસ્તો અલગ અલગ સર્કલ પર ઉભા રહેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કૌન બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાસ થનારાને સર્ટિફિકેટ અને સન્માનિત કરવામાં આવશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય