સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે તા. 14 થી 16 ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો-2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મૂળુ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, મેયર દક્ષેશ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ સરસાણા ડોમમાં સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિયેશન (SJMA) દ્વારા આયોજિત બી ટુ બી જ્વેલેરી પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ડાયમંડ-જ્વેલેરી વિશે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો.
આ રૂટ્ઝ B2B જવેલરી પ્રદર્શન ચોથી વખત આયોજિત કરવામાં આવ્યું છે, જ્યાં સુરતના 150 તેમજ અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સે મળીને 5,000 થી વધુ વિશિષ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનો છે. ઉપરાંત, હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વ્યાપાર માટે કડીરૂપ બનશે. સુરત ડાયમંડ કટિંગ, પોલિશિંગના ઉદ્યોગનું હબ છે, સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ અગ્રેસર બની રહ્યું છે. અહીં જ્વેલરીમાં જડતર માટે હીરા પણ આસાનીથી ઉપલબ્ધ છે, ત્યારે આ પ્રદર્શન જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે, SJMA એક બિનનફાકારક સંગઠન છે, જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનો અંતર્ગત સરકાર સાથે સંકલન કરીને જવેલરી ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જવેલરી ઉદ્યોગમાં વૈશ્વિક પ્રવાહોથી વાકેફ રાખે છે. રૂટ્ઝ એક્ઝિબિશન બીટુબી અને બીટુસી નેટવર્કિંગ, નવા વ્યાપારિક સંબંધો માટે મંચ અને નવી જ્વેલરી ટેકનિક્સ અને મશીનરીની શોધ માટે એક આગવું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, SJMAના પ્રમુખ જયંતિ સાવલિયા, ઉપપ્રમુખ અમિત કોરાટ, સેક્રેટરી વિજય માંગુકિયા, જોઈન્ટ સેક્રેટરી કિશોર વઘાસિયા, પૂર્વ પ્રમુખ કલ્પેશ વઘાસિયા તેમજ સંસ્થાના અન્ય હોદ્દેદારો સહિત જેમ્સ,જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ- વ્યાપારીઓ અને એક્ઝિબીટર્સ ઉપસ્થિત રહ્યા હતા.