સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025’ની ઉજવણીનો સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પ્રારંભ કરાવ્યો હતો. શાળા-કોલેજો, રસ્તાઓ પર લોકો માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તેવા આશયથી પોલીસ દ્વારા મહિના દરમિયાન વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનરશ્રીએ સ્વચ્છ સુઘડ સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વન બને તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, શહેરમાં ટ્રાફિક સિગ્નલને આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (AI) સાથે જોડીને ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવશે.
મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ સાથે ટ્રાફિક સિગ્નલને અનુસરવા સૌ યુવાનો તમામ પરિવારજનો, નાગરિકોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગત વર્ષે ઘણા પરિવર્તનો આવ્યા છે. ગયા વર્ષે શહેરમાં રોડ એન્જિનિયરિંગ, સર્કલ નાના કરવા, સિગ્નલ લાઈટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે ‘હેલ્મેટ ડ્રાઈવ’ ચલાવી રહી છે. રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી માસ’ની ઉજવણીમાં હાજર સૌએ ટ્રાફિક સિગ્નલ અંગેની ઐતિહાસિક બદલાવની વિડીયોફિલ્મ નિહાળી હતી.
વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગેની સાઈન બોર્ડ દ્વારા સમજૂતી આપી હતી, તેમજ રોડ એક્સિડન્ટ અંગેની જાગૃતિનું નુક્કડ નાટક રજૂ કર્યું હતું. સાથે વિશેષ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, સ્પેશિયલ પોલીસ કમિશનર (સેકટર-૧) વાબાંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સ, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એચ.આર.ચૌધરી, ડીસીપી (ટ્રાફિક) અમિતા વાનાણી, ડીસીપી (ઝોન-૧) ભક્તિબા ડાભી, ડીસીબી ક્રાઈમ બ્રાંચના બી.પી.રોજીયા, ડીસીપી (સ્પેશિયલ બ્રાંચ) હેતલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, ટ્રાફિક શાખાના જવાનો, રિક્ષા એસો.ના હોદ્દેદારો, અગ્રણીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.