- ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી
- 24 લીટર તેલના બે બોક્સની ચોરી કરતો દેખાયો
સુરતમાં શહેરમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની છે. રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલના બોક્સની ચોરી કરવામાં આવી હતી. તેલની ચોરી કરતા અજાણ્યા ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યો ઇસમ ચાલતા ટેમ્પા પર ચડી બે બોક્સ કપાસીયા તેલની ચોરી કરી પલાયન થયા હતાં. તેલના ભાવમાં વધારાને કારણે સામાન્ય જીવનમાં ભારે અસર પડી છે. તેલના વધતા ભાવ વચ્ચે હવે ચોરીના કિસ્સા બનવા લાગ્યા છે. રાંદેર પોલીસે સીસીટીવી ના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે.સુરતના રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો. આ બોક્સમાં કુલ 12-12 લીટર તેલના પાઉચ હતા. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે.
બીજા કિસ્સામાં રાંદેરમાં એક કારચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચઢી રહેલા ચોરનો વીડિયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો. ચોર ચાલતા ટેમ્પોની પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો. કારચાલકે જ્યારે તેને પીછો કર્યો, ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો. આ કિસ્સો વીડિયોના આધારે ઝડપથી વાઈરલ થયો છે.ડીલર ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી. આઠથી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી. અમને સમજાતું નહોતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે.
ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે. જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે, ત્યારે તે તેના પાછળ રેકી કરે છે. ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે. આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઉંચી કિંમતને કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનું આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.સુરતના ખટોદરા, પાંડેસરા, ચોક અને રાંદેર પોલીસ મથકમાં ખાદ્ય તેલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની ચોરીના કિસ્સાઓની ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે આ વીડિયો ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
ખાદ્ય તેલના વધતા ભાવના આર્થિક બોજ વચ્ચે આવી ચોરીના કિસ્સાઓ વેપારીઓ માટે ભવિષ્યમાં વધુ પડકારો ઊભા કરી શકે છે. વેપારીઓએ ચોરીની ઘટના અટકાવવા માટે ટેમ્પો પાછળ લાકડા પણ લગાવ્યા છે, પણ તેની ઉપરથી ચોરી કરવામાં આવે છે. નાગરિકો માટે જરૂરી છે કે તેઓ આ પ્રકારની ચોરી જોતા તરત જ પોલીસને જાણ કરે અને ડ્રાઈવરો માટે પણ વધુ સાવચેત રહેવું જરૂરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય