સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણી ‘સેવાદિવસ’રૂપે કરી હતી. જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેડિકલ એમ્બ્યુલન્સ લોકાર્પણ, વૃદ્ધાશ્રમમાં વડીલો અને દિવ્યાંગ શાળામાં જઈ દિવ્યાંગજનોને મીઠાઈ, ચીકી, લાડુ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. તેમણે સિવિલના દર્દીઓને ભોજનપ્રસાદ અને મેડિકલ કીટ્સનું પણ વિતરણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ કિડની બિલ્ડીંગ સ્થિત બાળકોના વિભાગમાં નવનિર્મિત ટોયઝ રૂમને ખૂલ્લો મૂક્યો હતો. ટોયઝ રૂમમાં દર્દીઓ, સગા સંબંધીઓના બાળકો આનંદ કિલ્લોલ કરી શકે એ માટે 60 પ્રકારના રમકડાંઓ જેવા કે, ટોયઝ કાર, ઝુલા, લસરપટ્ટી, ગેમ્સ, કિડઝ સ્પોર્ટ્સ સાધનો, ટોયઝ હાથી-ઘોડા જેવા રમકડાં ઉપલબ્ધ છે. આ વેળાએ સિવિલ કેમ્પસમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ ગૃહમંત્રીનું ફૂલો અને ફુગ્ગાઓથી સ્વાગત કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, જન્મ દિવસ ભવ્ય સમારોહ ઉજવીને નહીં, પણ લોકો, જરૂરિયાતમંદ દર્દીઓને મદદ પહોંચાડી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવાનો પ્રયાસ કરૂ છું. જન્મ દિનની ઉજવણી બાળકો સાથે રમીને, વંચિતોની પીડાને દૂર કરીને, વૃદ્ધ વડીલોને સહાયરૂપ બનીને, જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવીને કરવાથી અનોખો સંતોષની લાગણીનો અનુભવ થાય છે. નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી તેમજ સંઘવી પરિવારજનો વર્ષોથી પોતાના જન્મદિનની ઉજવણી, દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો સેવાની ભાવના સાથે સિવિલના દર્દીઓ, મહિલા દર્દીઓ, પ્રસૂતા માતાઓને પોષક આહાર, કપડા, ફળો, જરૂરી મેડિકલ કીટ્સ અને ચીજવસ્તુઓ, નાના બાળકોને બેબી કીટ, રમકડા, હિમોફેલીયાના દર્દીઓને ન્યુટ્રીશન કીટની ભેટ આપીને કરે છે એમ આ કાર્યક્રમના સંયોજક અને નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું. મજુરા વિસ્તારના જનપ્રતિનિધિ હોવા સાથે સેવાની દ્રઢ ભાવના ધરાવતા ગૃહમંત્રી દ્વારા નવી સિવિલમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનેક આરોગ્ય સુવિધાઓ વધારતા સંસાધનોની ભેટ આપવામાં આવી છે.
કોરોનાકાળમાં લોકો કોરોના સંક્રમણ ડરથી પોતાના પરિવારજનોથી પણ દૂર ભાગતા હતા, ત્યારે હર્ષ સંઘવીએ રાતદિન સિવિલમાં સેવારત રહ્યા, હજારો કોવિડ દર્દીઓને બેઠા કરનારા તબીબી અને નર્સિંગ સ્ટાફ માટે ભોજન, નાસ્તો, ફળો ભોજન, ડ્રાયફ્રુટ, મિનરલ વોટર પૂરૂ પાડવામાં અને તેમનું મોરલ જાળવવામાં ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સમાન ઉત્તમ યોગદાન આપ્યું. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો.કેતન નાયક, ટી. બી. ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સિમંતિની ગાવડે, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઇકબાલ કડીવાલા, અંગદાન પ્રવૃત્તિઓના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપદાદા દેશમુખ, નર્સિંગ અસો.ના અગ્રણીઓ વિભોર ચુગ, નિલેશ લાઠીયા, બિપિન મેકવાન, વિરેન પટેલ, સંજય પરમાર સહિત એસો.ના હોદ્દેદારો, સ્વયંસેવકો, બાળ વિભાગના આરોગ્યકર્મીઓ, સિવિલ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.