સુરત: રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયુ છે. તારીખ 26 ડિસેમ્બરના રોજ વઘઈ તાલુકાના કાકરદા ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળીયાએ, ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા’ યોજનાની મુલાકાત લીધી હતી. આ જુથ યોજનાઓની નજીકના 25 ગામોની તરસ છિપાવાશે. ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ મારફતે પાણીની જરૂરિયાત વાળા સૂર્યા બરડા, મોટા બરડા જેવા પહાડી વિસ્તારના ગામો સુધી પાણી પહોંચાડવામાં આવનાર છે.
હાલ આ યોજના પ્રાથમિક ધોરણે કાર્યરત કરવામા આવી છે. જેમા રોજેરોજ નવા ગામડાઓનો સમાવિષ્ટ કરી પાણી પહોંચાડવામા આવી રહ્યું છે. મંત્રીએ ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ની મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે સિંચાઈ યોજના, પાણી વિતરણની વ્યવસ્થા, ઉનાળા દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા સહીત વિવિધ બાબતો અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ ડેમના સ્ટ્રક્ચર તથા જળ સ્તરનુ જાત નિરીક્ષણ કર્યું હતુ. સાથે જ રેસ્ટોરેશન અર્થ વર્ક, રેસ્ટોરેશન સ્ટ્રક્ચર વર્ક, ચેકડેમની કામગીરી અંગે નિયત એજન્સીઓના કામના નિરીક્ષણ વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરી, સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી, માર્ગદર્શન પણ આપ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા સાકરપાતળ જુથ યોજનામા 25 ગામો, પોલસમાળ જુથ યોજનામા 18 ગામ, ધાણા જુથ યોજનામા 10 ગામ, ઉમરપાડા જુથ યોજનામા 10 ગામ, જ્યારે જામન્યામાળ જુથ યોજનામા 7 ગામો સમાવિષ્ટ છે. જેનાથી ડાંગ જિલ્લાના કુલ 70 ગામોની તરસ છિપાવાશે. ડાંગ જિલ્લાના “સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના”ની મુલાકાત પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયા સાથે વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના સુરત ઝોનના ચીફ એન્જીનીયર એમ.આર.પટેલ, સહિત ડાંગના કાર્યપાલક ઈજનેર હેમંત ઢીમ્મરે મંત્રીને, ડાંગ જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.