સુરત: આાગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા યોજાનાર યુવા આદાન પ્રદાન કાર્યક્રમના આયોજન અંગે બેઠક મળી હતી. ગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજવામાં આવનાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સુચારૂરૂપે પાર પડે એ માટે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે બેઠક મળી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત જિલ્લાઓ અનંતનાગ, કુપવાડા, બારામુલ્લા, બડગામ અને પુલવામા જિલ્લાના 120 યુવાઓ તેમના 12 ટીમ લીડરો સાથે તા. 06 થી 11મી, જાન્યુઆરી દરમિયાન સુરતની મુલાકાતે પધારશે.
આ યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત અન્ય રાજયના યુવાનો સુરતની મુલાકાતે આવનાર છે, ત્યારે તેઓ સુરત અને ગુજરાતનો સારો અનુભવ લઇને જાય એ પ્રકારની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન યુવાઓને અદાણી પોર્ટ-હજીરા, હરેક્રિશ્ના ડાયમંડ, લક્ષ્મીપતિ ગૃપ, યુરો વેફર્સ સહિતના ઔદ્યોગિક સ્થળો, નર્મદ યુનિ. જેવા શૈક્ષણિક સ્થળ તેમજ દાંડી નમક સત્યાગ્રહ મ્યુઝિયમ-નવસારીની મુલાકાત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સેમિનાર્સનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તા. 26મી, જાન્યુઆરીથી તા. 01લી, ફેબ્રુઆરી દરમિયાન 16માં આદિવાસી યુવા પ્રદાન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના નકસલ પ્રભાવિત જિલ્લાના 200 યુવાઓ તેમના 20 ટીમ લીડરો સાથે સુરતની મુલાકાતે આવશે. જેમને પણ હરેક્રિશ્ના ડાયમંડ, લક્ષ્મીપતિ ગૃપ, પોલીસ હેડક્વાર્ટર, યુરો વેફર્સ, કિરણ હોસ્પિટલ, સુમુલ ડેરી, નર્મદ યુનિ. અને દાંડી નમક સત્યાગ્રહ મ્યુઝિયમ-નવસારીની મુલાકાત કરાવાશે. નહેરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ યુવા આદાન-પ્રદાન કાર્યક્રમની રૂપરેખા અને આયોજનની વિગતો આપી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવનારી તૈયારી અંગે વિગતે જાણકારી મેળવી તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે સૌને તકેદારી રાખવા જણાવ્યું હતું.