સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં રૂ.12.07 કરોડના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, પંચાયત ઘર અને વિવિધ વિકાસ પ્રકલ્પોનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયત-વેસુ ખાતેથી સામૂહિક ઈ-લોકાર્પણ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મુકેશભાઈ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 40 ગામોમાં રૂ. 5.36 કરોડના ખર્ચે 46 આંગણવાડી, વિવિધ તાલુકાઓમાં રૂ.2.76 કરોડના ખર્ચે 17 ગ્રામપંચાયત ઘર ઇ-લોકાર્પણ તેમજ જિલ્લા પંચાયત-વેસુ ખાતે રૂ. 3.3 કરોડના ખર્ચે વેક્સિન સ્ટોર અને રેકર્ડ રૂમનું ભૂમિપુજન કરાયું હતું, ઉપરાંત ઘન કચરાના વ્યવસ્થાપન અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 23 ગામોમાં રૂ. 65 લાખના ખર્ચે 25 ઈ-વ્હીકલને મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જર્જરિત અવસ્થામાં રહેલી ગ્રામપંચાયત, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત, મામલતદાર કચેરીઓને આધુનિક ઓપ આપી સુવિધાયુક્ત ભવનોનું નિર્માણ કર્યું છે. પંચાયતઘરોમાં આધુનિક ટેકનોલોજીથી જનસુવિધામાં વધારો થયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ 2021માં શરૂ કરેલ ‘કેચ ધ રેઈન’ પ્રોજેક્ટ હવે સમગ્ર દેશમાં જનઆંદોલન બન્યું છે. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવી તેને ભૂગર્ભમાં સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધી છે, જેથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થઈ છે. જાગૃત્ત ખેડૂતોના કારણે સુરત જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બની રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા સુરતના 117 ગામોમાં ઘનકચરો એકત્ર કરવા ઈ-વ્હિકલ કાર્યરત છે. આવનાર સમયમાં ગુજરાતનું સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને એ દિશામાં રાજ્ય સરકાર પ્રયાસરત છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે ‘પ્રોજેકટ કલ્પના’ અંતર્ગત જિલ્લાના ગ્રામીણ-આદિવાસી વિસ્તારના ધો. 7 અને 8ના વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીઓ, સહકારી ડેરીઓની એક્સ્પોઝર વિઝિટ કરાવવામાં આવે છે.
જિલ્લામાં 70 વર્ષથી વધુની વયના 51,776 લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ કાઢી આપીને સુરત સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યું છે. આ વેળાએ મંત્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લા પંચાયતની વિવિધ યોજનાઓ અંતર્ગત વિદેશ અભ્યાસ માટે IELTS સહાય, વિધવા સહાય, દિવ્યાંગ પશુપાલકોને દૂધાળા પશુઓની ખરીદી પર સહાય, જિ.પંચાયત સ્વભંડોળ આવાસ યોજના, પી.એમ.જે.વાય વયવંદના કાર્ડ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ઉપપ્રમુખ અશોક રાઠોડ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, અગ્રણીઓ ભાવેશ પટેલ, દરિયા વસાવા, તા.પં. પ્રમુખ-ઉપપ્રમુખ, જિ.પં.ના સદસ્યો, સરપંચો, વિવિધ સમિતિના ચેરમેનો, અધિકારીઓ સહિત આમંત્રિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.