- પોલીસે કુલ રૂપિયા 1.12 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો
- ડોકટરનુ નકલી સર્ટીફીકેટની ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા
સુરત શહેરના સલમ વિસ્તારમાં બોગસ ડોકટરોનો રાફડો સર્જાયો છે. આ દરમિયાન લીંબાયત પોલીસે બોગસ ડોકટરો ધર્મરાજ બૈજનાથ યાદવ,રાજેશ રામકિશોર યાદવ અને દિના આદીત્ય કલીતાને ઝડપી પાડ્યા હતા. ડોકટરો નકલી સર્ટીફીકેટની ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા. આ દરમિયાન પોલીસે ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને દવા તથા મેડીકલના સામાન સાથે કુલ રૂપિયા 1.12 લાખનો મુદામાલ ઝડપી પાડ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં બોગસ ડોકટરોની ગંભીર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્રએ કડક પગલાં લીધા છે. ડિંડોલી વિસ્તારમાં 6 બોગસ ડોકટરોની ધરપકડ બાદ, લિંબાયત પોલીસે વધુ ત્રણ બોગસ ડોકટરોની ધરપકડ કરી છે. છેલ્લા બે દિવસમાં 9 બોગસ ડોકટરો ઝડપાઈ છે, જેમણે નકલી ડિગ્રીના આધારે દર્દીઓને સારવાર આપી હતી.
લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.આર. ઓડેદરા અને તેમની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, લિંબાયત વિસ્તારમાં કેટલાક ઇસમો નકલી ડિગ્રીના આધાર પર ડોકટરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ બાતમીના આધારે, ત્રણ અલગ-અલગ જગ્યાઓએ રેડ પાડવામાં આવી અને ત્રણ બોગસ ડોકટરોને દવા અને મેડિકલ સામાન સહિત પકડી પાડવામાં આવ્યા.
પોલીસે ધર્મરાજ બૈજનાથ યાદવ (ઉં.વ. 48, રહે. મંગલ પાંડે હોલની પાસે, લિંબાયત, મુળ વતન: જોનપુર, ઉત્તરપ્રદેશ), રાજેશ રામકિશોર યાદવ (ઉં.વ. 54, રહે. સંજય નગર, લિંબાયત, મુળ વતન: જોનપુર, ઉત્તરપ્રદેશ), દિના આદિત્ય કલીતા (ઉં.વ. 34, રહે. જલારામ નગર સોસાયટી, પુણા, સુરત, મુળ વતન કમરૂપ, આસામ)ની ધરપકડ કરી છે. તેમની પાસે થી BEMS ડીગ્રી મળી આવી છે. આ ત્રણેય ડોકટરો છેલ્લા ચારથી પાંચ વર્ષથી નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હતા. આ બોગસ ડીગ્રી તેઓએ બોગસ ડિગ્રી કાંડના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી. આરોપીઓ ધોરણ 10-12 સુધી ભણ્યા છે. તેમની પાસેથી એલોપથીની દવાઓ મળી આવી છે.
તેઓએ પોતાનાં ક્લિનિકના નામ નીચે ઉચ્ચાર્યા હતા.
- કિરણ ક્લિનિક, મંગલ પાંડે હોલ મેઈન રોડ, લિંબાયત
- સાંઈદર્શન ક્લિનિક, સંજય નગર, લિંબાયત
- મીનલ ક્લિનિક, ભગવતી નગર, સંતોષ નગર, લિંબાયત
DCPની લોકોમાં સજાગતા લાવવાની અપીલ આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આ આરોપીઓ પાસેથી દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ રૂ. 1,12,744નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે બી.એન.એસ. 2023 કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બોગસ ડોકટરોની કાર્યવાહી માટે લોકોમાં સજાગતા લાવવાની અપીલ કરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય