- ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતે આપી માહિતી
- બહોળી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે
ક્ષત્રિય કરણી સેના દ્વારા સરકારની વિરુદ્ધમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયાણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી. તે લડત નિષ્ફળ થતાં આ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતે જણાવ્યું હતું. આ સંમેલન સંદર્ભે સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતે માહિતી આપી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રીયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો. આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.
આ ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડીયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નીંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે.
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિયાણીઓને લઈને એ ટિપ્પણી કરવામાં આવી હતી. તે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ રાજ શેખાવત દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવતા રાજશેખાવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું પણ અપમાન કરાયું હતુ. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મહા સંમેલનનું આયોજન કરાયું છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય