સુરત: સાંસદ મુકેશ દલાલના અધ્યક્ષસ્થાને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રનું સશક્તિકરણ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગવાન બનાવવા વડાપ્રધાનશ્રીએ અલાયદું સહકાર મંત્રાલય બનાવ્યું છે. 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે: સાંસદ મુકેશ દલાલ. નવનિર્મિત સહકારી મંડળીઓના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સહાયના ઓર્ડર વિતરણ કરાયા. નવી દિલ્હી ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલ અંતર્ગત સમગ્ર દેશમાં નવરચિત 10 હજાર બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ, દુધ ઉત્પાદક અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓનું ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સુડિકો બેંકથી સાંસદ મુકેશ દલાલ અને મહાનુભાવો વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.
કેન્દ્ર સરકારની ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવરચિત 10 હજાર જેટલી બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દુધ ઉત્પાદક મંડળીઓ તેમજ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના ઉદ્દઘાટન પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મેગા ઇવેન્ટનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે સુરતના જેપી રોડ સ્થિત સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે સાંસદ મુકેશ દલાલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી તેમજ નવનિર્મિત સહકારી મંડળીઓના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સહાયના ઓર્ડરનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કથી સૌએ આ કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રનું મહત્વનું અંગ છે, અને તે જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન સહકારી ક્ષેત્રનું સશક્તિકરણ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગવાન બનાવવાના ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના થઇ છે, જેનાથી સહકાર ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થવાનું શરૂ થયું છે. આ પ્રયત્નો થકી સહકારીતા એક નવી ઊંચાઈ પર પહોંચશે અને દેશના સામાજિક તેમજ આર્થિક વિકાસની મજબૂત આધારશિલા બનશે.”
સાંસદએ સહકારી ક્ષેત્રના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, સહકારી મંડળીનો મુખ્ય પાયો સભાસદ છે, તેથી તેમનો વિશ્વાસ જાળવવો અનિવાર્ય છે. મંડળી વિશ્વાસ પર ચાલે છે અને સુમુલ-અમુલ જેવી પ્રસિદ્ધ સહકારી મંડળીઓ તેની સાબિતી છે. સહકારી મંડળીસ્થાપનથી રોજગારીઓ સર્જાય છે. નવી મંડળીઓએ સમાજને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પ્રસંગે સુરત જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડ, જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસિંગ) જાસ્મિનબેન કાકડીયા, નાબાર્ડના DDM, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર બાલુ પટેલ, સુમુલના ચેરમેન માનસિંહ પટેલ, સુમુલના ડિરેક્ટર જયેશભાઇ દેલાડ, જિલ્લાની વિવિધ સહકારી મંડળીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.