- કર્મચારીઓ પર ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાલ પર ઉતર્યા
- કર્મચારીઓને સમજાવવામાં આવતા હડતાળ સમેટી લેવાઈ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ પર ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાલ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરીને અસર પહોચી હતી. તેમજ દર્દીઓને હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કર્મચારીની હડતાલને પગલે હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર પણ અસર પહોંચી હતી. જોકે સમજાવવામાં આવતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી. અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા.
મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર, વોર્ડ, ઓપીડી , સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતાં હોય છે .દરમિયાન આજે સવારે ચોથા વર્ગના આ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા.અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા. ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ ૬ બી વોર્ડમાં એક આયાબેન ફરજ બજાવતા હતા. તેમની ઉપર એક પરિચારીકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો.
કર્મચારીઓનું કેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોય છે. આ મુદ્દે આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાલ પાડી હતી. કર્મચારીને હડતાલને પગલે બીજી બાજુ હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર અસર પહોંચી હતી. જુદા જુદા વિભાગોમાં સફાઈથી લઈનેદર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી. જો કે આરએમઓ ડો.કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ જે ગેરસમજઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ બે ત્રણ કલાક પછી આ કર્મચારીઓ હડતાળ સમેટી હતી અને પોત પોતાના કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા. કર્મચારીઓની હડતાલ સમેટાય જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કર્મચારીઓએ દ્વારા આ રીતે હડતાલ પાડી દર્દીઓને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે , વારંવાર સફાઈ કર્મીઓ દ્વારા આ રીતે હડતાલ પાડવામાં આવીને સુરત સિવિલ હોસ્પિટલને બાનમાં લેવામાં આવી રહી છે. નાના-નાના મુદ્દે સફાઈ કર્મીઓ દ્વારા હડતાલ પાડવામાં આવે છે જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.