- SOG દ્વારા પાનના ગલ્લા તેમજ વાહનચાલકોના ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
- પાલ વિસ્તારમાં ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી ચકાસણી કરાઈ
સુરત શહેર પોલીસ 31ST ડીસેમ્બરને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેને લઈને SOG દ્વારા પાલ વિસ્તારમાં પાનના ગલ્લા તેમજ વાહનચાલકોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દ્વારા નશો કર્યો છે કે નહિ તે અંગે તાત્કાલિક માહિતી મેળવવામાં આવી હતી.
આ અંગે માલતીન માહિતી અનુસાર, 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને SOG પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્ત્વનું સાબિત થશે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે. જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી પીઆઈ સોનારાએ જણાવ્યું કે, ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. NDPS (નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સ)ના કેસો માટે એન્ટિ નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે. NGO અને વિવિધ સંસ્થાઓ સાથે મળી, ડ્રગ્સના બંધાણી રહેલા લોકોના પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કિટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે. અગાઉ લોહીનાં સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે. ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે. ન્યૂ યર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે. ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આ મશીન મહત્ત્વનું હથિયાર બનશે.
આગામી દિવસોમાં વધુ મશીનો ઉપલબ્ધ કરાશે સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યાં છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ આ કડક અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પોલીસે તાકીદ કરી છે કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓના આયોજન કરતા પહેલાં 100 વખત વિચારવું પડશે, કેમ કે 15 લાખનું આ મશીન તાત્કાલિક ચકાસણી કરીને કડક પગલાં લેશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય