સુરત શહેરમાં ફરી એકવાર એક બેફામ આવતા કારચાલકે રાહદારીને કચડ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ અકસ્માતની ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર બેઠેલી મહિલા ભિક્ષુકને કારચાલેક ઉડાવી દીધી હતી. જેના સીસીટીવી ફુટેજ અત્યારે સામે આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મંદિરની બહાર ભીખ માંગી પોતાનું જીવન ગુજારતી 80 વર્ષીય વૃદ્ધાને કારચાલકે કચડી નાખી હોવાના સીસીટીવી વીડિયો અત્યારે સામે આવ્યાં છે. અકસ્માતની ઘટનાને પગલે 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થયા છે. ઘટનાના સીસીટીવી વીડિયો હચમચાવી દે તેવા છે. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સર્જીને કારચાલક માનવતા પણ નેવે મૂકીને ત્યાથી ફરાર થઈ ગયો હતો.
આરોપી એ વૃદ્ધાને અડફેટે લઈ તેમને મંદિરના ગેટની સાથે કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતના પગલે આસપાસ તે લોકો દોડી આવ્યા હતા. જોકે, તે પહેલાં જ કાર ચાલક અને કારમાં સવાર બે જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા હતા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કારચાલકોએ માનવતા ન દાખવીને ફરાર થઈ ગયા હતા.
અકસ્માતના પગલે દોડી આવેલા લોકો દ્વારા ગંગાબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંગાબેનનું મોત નીપજ્યું હતું. ગંગાબેનના માથા સહિતના શરીર પર ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ કારને પણ કબ્જે લેવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય