- મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપતા કર્યો આપ-ધાત
- પાંડેસરા પોલીસે યુવતીના મૃ*તદેહને PM અર્થ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી
સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના કારણે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 18 વર્ષીય યુવતીએ સતત ફોનમાં વ્યસ્ત રહેતા ખાવામાં વધુ મીઠું નાખી દીધું હતું. આ બાબતે તેણીના પિતાએ ઠપકો આપતા માઠું લગી આવ્યું હતુ અને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. એકના એક સંતાન એવી દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. 24 કલાકમાં સુરતમાં ફોન બાબતના ઠપકામાં બે દીકરીના આપઘાતના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશા અને પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવ નગરમાં 18 વર્ષીય દીપા નટુભાઈ બીસવાલ પરિવાર સાથે રહેતી હતી. પિતા સંચાક કારીગર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપા પરિવારનું એકનું એક જ સંતાન હતી. પરિવારે દીપાને ખૂબ જ પ્રેમથી મોટી કરી છે. હાલ દીપા માત્ર ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી
પિતા ઘરે આવ્યા તો દીકરી લટકતી હતી માતા પણ મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. ગતરોજ માતા કામ પર ગયા હતા, જ્યારે પિતા સાંજે ઘરે હતા અને સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી દીકરીથી રસોઈમાં મીઠું વધુ પડી ગયું હતું. જેથી પિતા દ્વારા મોબાઈલને લઈને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પિતા નોકરી પર જતા રહ્યા હતા. રાત્રે 9:00 વાગ્યા આસપાસ પરત ફરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય