સુરતના ડુમસ રોડ રોડ પર આવેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુરત હવાઇ મથકને વધુ અદ્યતન અને સુવિધાસભર બનાવવા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટને મોડેલ તરીકે કેન્દ્રમાં રાખી સુરત એરપોર્ટ વિકાસ કરવામાં આવે તો એરપોર્ટની આવકમાં વધારો થાય તેમજ મુસાફર વર્ગને ખૂબ સારી સગવડતા પણ ઉપલબ્ધ કરાવી શકાય એમ કહી તેમણે એરપોર્ટમાં ચાલતા સિવિલ વર્કની પ્રગતિ અંગે સમીક્ષા કરતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહેલી મંથરગતિની કામગીરીને વેગવાન બનાવી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી જો કોન્ટ્રાકટર આડોડાઇ કરે તો તેની સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત બેઠક દરમિયાન સીટી બસ સેવાનો વ્યાપ એરપોર્ટ સુધી વિસ્તારવા તથા મેટ્રો સેવાનો વ્યાપ પણ એરપોર્ટ સુધી વધારવા અંગે તથા ઇ-વિઝા ફેસિલીટી શરૂ કરવા અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતે છણાવટ કરી એરપોર્ટ ડાયરેકટર વિરેન્દ્ર સોલંકીએ મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સુરતના સાંસદ મુકેશભાઇ દલાલ, બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા, ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇએ પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, સી.આર.પી.એફ કમાન્ડન્ટ, નાયબ પોલીસ કમિશનર સુશ્રી. હેતલ પટેલ, એરપોર્ટ એડવાઇઝરી કમિટીના સભ્યો, એરપોર્ટ ઓથોરિટીના અધિકારી-કર્મચારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.