સુરત: જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીની અધ્યક્ષતામાં તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિસરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું. કૃષિ મેળો-2024ના માધ્યમથી 150 કરતાં વધુ ટ્રેક્ટર અને 20થી વધુ ટ્રેક્ટર સંચાલિત સાધનો ખેડૂત લાભાર્થીને અંદાજિત રૂપિયા 75 લાખ જેટલી સહાય પુરી પડાઈ. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા નર્મદા જિલ્લાના ખેડૂતોને અપીલ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના આદિજાતિ ખેડૂતોને કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા તેના તાંત્રિક જ્ઞાન અને કુશળતામાં વધારો થાય અને ખેતીને આધુનિક બનાવી વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તેવા શુભ આશયથી એ.જી.આર.-3 યોજના અંતર્ગત તિલકવાડાની કે. એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ ક્ષેત્રે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક હિતકારી નિર્ણયો કરી રહી છે. ખેત ઓજારો માટે ચાલતી ખેડૂત સહાય યોજનાના માધ્યમથી આજે અનેક ખેડૂતો કૃષિ ઓજારોના ઉપયોગ થકી ઝડપી અને ઉપજાઉ ખેતી કરતા થયા છે અને ખેડૂતોની આવક બમણી થઈ રહી છે. માત્ર એટલું જ નહીં પણ રસાયણ વિનાનો શુધ્ધ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિને પણ નર્મદા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
જેના ઉદાહરણ રૂપે આજે સ્ટેજ ઉપર આવીને ખેડૂતો જે પોતાના અનુભવો રજૂ કરી રહ્યા છે તે આપણે નજરે નિહાળી રહ્યા છીએ અને તેમાંથી શીખ મેળવવા જેવી છે. નર્મદા જિલ્લાના ખેડૂતો રસાયણિક ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરી ગામે ગામ પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે જે ખરેખર ગર્વની બાબત છે. તેમને એક ઓર્ગેનિક ફાર્મિંગનું માર્કેટ પણ મળી રહે તેવી વ્યવસ્થા તરફ પણ સરકાર પ્રયત્નશીલ છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે આ પ્રસંગે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે આપણા ખેડૂતો બળદનો ઉપયોગ કરીને ખેતી કરતા હવે તેનું સ્થાન નવી ટેક્નોલોજી અને યાંત્રિક સાધનોએ લીધું છે જેથી ખેતીમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. નર્મદા જિલ્લાના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે.
ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ આપણી પાસે ખૂબ સારો વિકલ્પ છે. આપણા વડવાઓ બંટી, નાગલી, બાજરી, જુવારની ખેતી કરતા હતા. સમયાંતરે આ હલકા પણ ગુણકારી પૌષ્ટિક ધાન્યોની ખેતી ભૂલાઈ રહી હતી. તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ – 2023ને મિલેટ્સ વર્ષ તરીકે સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી તેની ઉજવણી કરી અને આ ધાન્યોનું મહત્વ વિશ્વભરના નાગરિકોને સમજાવ્યું. જેના પગલે આજે પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતો આ પૌષ્ટિક ધાન્યોની પણ ખેતી કરતા થયા છે. વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું કે, ખેતીમાં રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગોથી માનવ શરીરમાં અનેક રોગો અને ગંભીર બિમારીઓ વધી રહી હતી. તેવા સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉપાડેલું પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની ભેટ આપી.
જેના કારણે આજે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. આ ખેતી કરવાથી અનાજ તો શુધ્ધ પાકે જ છે પરંતુ જમીનમાં પણ ફળદ્રૂપતા વધે છે. જમીનના સુક્ષ્મ પોષક તત્વો પાછા લાવવાના પ્રયાસો સુભાષ પાલેકરની ખેતી દ્વારા થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં સમયનો બચાવ થાય છે અને સારો પાક ઉત્પન્ન થાય છે, ધરતી માતા જમીનનું બંધારણ સચવાય છે અને મનુષ્યનું જીવન ખોરાક થકી સ્વસ્થ બને છે. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજના અને પ્રાકૃતિક કૃષિના આયામો અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાનાં અનુભવો અને પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન અંગે મનનીય વિચારો અને અનુભવોનું આદાન-પ્રદાન કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આપીલ કરી હતી.
આ કૃષિ મેળા દરમિયાન ખેત ઓજારોનો ચકાસણી કેમ્પ પણ યોજાયો હતો. જેમાં 150 કરતાં વધુ ટ્રેક્ટર અને 20 થી વધુ ટ્રેક્ટર સંચાલિત સાધનોના લાભાર્થી ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોને સરકારની એ.જી.આર-50 યોજના અંતર્ગત ટ્રેક્ટર તેમજ એ.જી.આર.-3 કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ટ્રેક્ટર સંચાલિત અન્ય સાધનો જેવાકે બેલર, રોટાવેટર, કલ્ટીવેટર વગેરે સાધનોની સહાય પુરી પાડવામાં આવે છે. આ મેળાના માધ્યમથી ખેડૂતોને અંદાજિત રૂપિયા 75 લાખની બેન્ક સહાય પુરી પાડવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરી હૂકમ પણ આ અવસરે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ પ્રેમજી ભીલ, અગ્રણી વિક્રમ તડવી અને જયેન્દ્ર પ્રજાપતિ, ગૌરાંગ બારિયા, આત્મા પ્રોજેકટના દિપક શીનોરા, જિલ્લા ખેતવાડી અઘિકારી વિનોદ પટેલ, તાલુકા પંચાયતનાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, ખેડૂતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.