- વર્ક વિઝા અપાવવાના નામે તબીબ અને તેમના મિત્રો સાથે કરી હતી છેતરપીંડી
- કુલ પાંચ લોકોના વિઝા માટે આરોપીએ પૈસા પડાવ્યા હતા
સુરતના મોટા વરાછામાં વર્ક વિઝા અપાવવાના નામે તબીબ અને તેમના મિત્રો પાસેથી ૪૮.૭૦ લાખ રૂપિયા પડાવનાર એજન્ટની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક ફાઇલ પેટે 15 હજાર પાઉન્ડ થશે તેમ કહી પાંચ લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા હતા. જે કેસમાં રૂપિયા ચૂકવી દીધા બાદ કોઈ પણના વર્ક વિઝા આપ્યા ન હતા. જે અંગે પૂછ પરછ કરતા ખોટા બહાના બતાવી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનું જણાવામાં આવ્યું છે. તેમજ આરોપી દ્વારા આપવામાં આવેલ લેટર બોગસ હોવાનો ખુલાસો થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસે આરોપી ભાવિન બલરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના મોટા વરાછાના રામચોક પાસે સૌંદર્ય પેલેસમાં રહેતા ડો. બ્રિજેશભાઈ રમેશ જીવાણી મોટા વરાછામાં જ શુભકારી ક્લિનિકના નામથી દવાખાનું ચલાવે છે. અને તેમનો મિત્ર નામે હરેશ વૈષ્ણવ યુનિટી એબરોના નામથી વિઝા સર્વિસનું કામ કરતો હતો. આ દરમિયાન તેઓની મુલાકાત સુદામા ચોક પાસે પ્લેટીનમ પોઈન્ટમાં આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામથી ઓફિસ ધરાવતા ભાજપના મોટા વરાછાના વોર્ડ નબર 2ના સુપુત્ર ભાવીન મનુ બલરની સાથે થઈ હતી. ત્યારે ડો. બ્રિજેશે પાંચ વ્યક્તિના યુકેના વર્ક વિઝા મેળવવા માટે વાતચીત કરી હતી. અને તે માટે રૂ. 20 લાખ ફી નક્કી કરવામાં આવી હતી. નક્કી થયા પ્રમાણે ડો. બ્રિજેશ તેમજ તેમની સાથે જાનકી સોજીત્રા, બ્રિજેશ કાકડિયા, અમિત સખુલીયા, કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકડિયાએ મળીને કુલ રૂ. 19 લાખ જમા કરાવી દીધા હતા. ત્યારબાદ પાઉન્ડમાં વધારાની ફી માંગતા ડોક્ટર સહિત અન્ય લોકોએ અંદાજિત રૂ. 21.70 લાખની રકમ પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા. તમામે ભેગા થઈને કુલ રૂ. 48.70 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં ભાવીને કોઈના પણ વર્ક વિઝા કરાવી આપ્યા ન હતા.
તપાસ કરાતા ભાવિને ગૌરાંગ કાકડિયા તથા કોમિલ લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર્ક ઓછા હોવાનું કહીને રિઝેકશન થયું હોવાનું જણાવ્યું હતું. વારંવાર વર્ક વિઝાની ફાઈલ તેમજ પૂછપરછ કરતા ભાવીને ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. આ ઉપરાંત ગૌરાંગભાઈને આપેલા રિજેક્શનના લેટરની પણ તપાસ કરતા તે લેટર પણ બોગસ નીકળ્યા હતા. ડોક્ટર બ્રિજેશ સહિત અન્ય લોકોએ આપેલા રૂ. 48.70 લાખની માંગણી કરવામાં આવતા ભાવિને પહેલા પેમેન્ટ પૂરું કરી આપો અને એગ્રીમેન્ટ કરો ત્યારબાદ રૂપિયા પરત આપવા કે નહીં તેવું વિચારશે તેમ કહીને વાત ફેરવી નાંખી હતી. આ બાબતે આખરે ડો. બ્રિજેશભાઈએ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી ભાવિન બલરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય