- અગાઉ ચાર આરોપીઓની કરાઈ હતી ધરપકડ
- મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી આરોપી રામુ ભરત ગૌડ ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાંચે હથીયારો સાથે બંધક બનાવી લુંટ આચરનાર છેલ્લા 25 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રામુ ભરત ગૌડને મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી મિલમાં પણ કામ કરતો હતો. જેથી આરોપીને ખબર હતી કે, ક્યાં દિવસે મિલ કર્મચારીઓનો પગાર થાય છે. જેને લઈને આરોપીએ તેના સાગરીતો સાથે મળીને સચીનના સિલ્ક મીલમાં પગાર થવાના દિવસે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓ હથીયારો લઈને આવ્યા હતા. મેનેજર અને સ્ટાફને બંધક બનાવી 6,10,000ની લૂંટ કરી હતી. અને વોચમેનના આંખ ઉપર મરચાંની ભૂકી નાખી ફરાર થઇ ગયા હતા. જેના ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી. હાલ વધુ એક વોન્ટેડ આરોપી ઝડપાયો છે.
સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે ભૂતકાળમાં ગુનામાં સડોવાયેલા હોય અને પોલીસ પકડથી બચીને નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એક હકીકત મળી હતી કે સુરતના સચિન વિસ્તારમાં 1999ની સાલમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ છેલ્લા 25 વર્ષથી પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કર્યા બાદ હાલ મહારાષ્ટ્ર ખાતે આવીને આરોપી મજૂરી કામ કરે છે.
આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મહારાષ્ટ્રના નવાપુર ખાતે પહોંચી હતી અને આરોપી રામુ માલીયા ઉર્ફે હરીભરત ગૌડ ઉ.વ. 49 વર્ષને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ શરૂ કરતા સામે આવ્યું કે તે 1999ની સાલમાં સચિન સ્લમ બોર્ડમાં રહેતો હતો અને બોબીન ભરવાનું મજૂરીકામ કરતો હતો. તે વખતે તેનો સાગરીત સાગર પાલ કે જેણે સચિન જસ્મીત સિલ્ક મીલમાં નોકરી છોડી દીધા બાદ મીલમાં ઘૂંટ કરવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો. મીલમાં મહિનાની 7 અને 22 તારીખે કારીગરોનો પગાર થતો હોવાનું જાણતો હોવાથી તેના સાગરીતો સુનીલકુમાર જ્યસ્વાલ, જીતેન્દ્રપ્રસાદ ઉર્ફે પપ્પુસીંગ, અજય બંગાલી, મોહમદ નિઝામ, શંકર મહાપાત્ર, તથા બીજા બે અજાણ્યા ઇસમોને ભેગા કરી ધાડ પાડવાની યોજના બનાવી હતી.
તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી તા. 22/1/1999ના રોજ બપોરના સમયે સચિન જી.આઈ.ડી.સી., રોડ નં-55 જશમીન સિલ્ક ફેક્ટરીમાં બધાએ મોઢે બુકાનીઓ બાંધી તંમચો, તલવાર, છરી, ચપ્પા જેવા જીવલેણ અને ઘાતક હથિયારો સાથે ધાડ પાડી ફરિયાદી અને સાથે જ વોચમેન ઉપર મરચાની ભૂકી નાંખી તેઓને ઢીક મુક્કાનો માર મારી બંધક બનાવી ફેક્ટરીના શટલ પાડી બીજા કારીગરોને બાનમાં લઈ એક રૂમમાં પુરી દઈ ઓફીસનું તાળુ તોડી રોકડા રૂપિયા. 6,10,000/- ની મત્તાની ધાડ પાડીને ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અન્ય આરોપીઓ પકડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે આ આરોપી પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ રાજ્ય તેલંગાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજ્યમાં મજૂરીકામ કરતો હતો. દરમિયાન છ એક મહિના પહેલા મહારાષ્ટ્ર નવાપુરમાં કારખાનામાં મજૂરીકામ કરવા માટે આવેલ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીને સુરત ખાતે લઈ આવ્યા બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સુરતની ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે.