સુરત: અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીસ દોરીના કારણે કપાઈ ગયું હતું. યુવાન લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલમાં ખસેડયો હતો. ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસ કપાઈ ગઈ છે. જ્યારે હાલ પણ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે અને ICUમાં સારવાર ચાલી રહી છે.
જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે. તેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીસ દોરીએ પકડ જમાવી છે અને તેનાથી કેટલાય લોકોના ગળા કપાઈ જતા મોતના મુખમાં ધકેલાયા છે. ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી સર્જતા અકસ્માતનો એક કિસ્સો અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવર બ્રિજ ઉપર બન્યો હતો.
શહેરની જાણીતી ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડીયા (રહે. શીવધારા રેસીડન્સી, મોટા વરાછા) ગત 18 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી-સાયણ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું.
પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ડોકટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસને જોઇન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે સમયસર સારવાર ન મળતા સમર્થને બચાવવું અશક્ય હતું.
રિપોર્ટર: ભાવેશ ઉપાધ્યાય