- ઇન્ટરનલ વાયવાના માર્ક્સ ગેરકાયદેસર વધારાયા હોવાના આક્ષેપો
- કોલેજ સંચાલકો દ્વારા યુનિ.ને પત્ર લખીને ગુણોમાં ફેરફાર કરાયાના આક્ષેપો
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વી.ટી. ચોકસી લો કોલેજ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. VNSGUનો નાપાસ વિદ્યાર્થી 6 માસમાં ફર્સ્ટ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો છે. કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને આંતરિક ગુણોમાં ફેરફાર માટે ભલામણ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીના ઇન્ટરનલ વાયવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વી.ટી. ચોકસી લો કોલેજમાં કાયદાની જ અધ્યાપન પરંપરાની મજાક ઉડાવતી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાવવામાં આવ્યો છે. આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા પર જ નહીં, પણ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર સવાલો ઉઠાવે છે. VNSGUનો નાપાસ વિદ્યાર્થી 6 માસમાં ફર્સ્ટ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો છે.
એપ્રિલ 2024માં કાયદા ફેકલ્ટીની છઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો હતો. રિઅસેસમેન્ટ અને રિચેકિંગના પરિણામોમાં પણ વિદ્યાર્થીનું નામ નહીં હતું. પરંતુ અચાનક જ, આ વિદ્યાર્થીના માર્ક્સ સુધારાયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો. કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને આ ફેરફાર માટે ભલામણ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીના ઇન્ટરનલ વાયવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા હતા. પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના, સુધારેલા પરિણામો જાહેર કરી દીધા.
વિદ્યાર્થીને પ્રોફેશનલ એથિક્સની આંતરિક વાયવા પરીક્ષામાં 20માંમાંથી 6 માર્ક્સ મળ્યા હતા, જ્યારે પાસ થવા માટે 8 માર્ક્સ ફરજિયાત હતા. સંચાલકોએ આ માર્ક્સમાં ઑવરરાઈટ કરીને 8 કરી નાખ્યા અને યુનિવર્સિટી પાસે ભૂલ તરીકે રજૂ કર્યું. આ પદ્ધતિથી પરિણામમાં ફેરફાર કરીને વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસનો દરજ્જો આપ્યો.
આ ઘટના બાદ કાયદાની કોલેજમાં નિયમિત અને ગેરકાયદેસર રીતે માર્ક્સ વધારવાનો ભયાનક તંત્ર કાર્યરત છે. એક વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિઓ થઈ હોવાની પૂરી શક્યતા છે. તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે.