- તમામને સારવાર માટૅ તાત્કાલિક 108 એમ્બયુલેન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા
- આગના લગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ
- ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો આવી પહોચ્યો
સુરત: શહેરના પુણા ગામમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. પુણા ગામની રાધાકૃષ્ણ સોસાયટીમાં આજે સવારે 6.30 કલાકની આસપાસ ગેસનું સિલેન્ડર ફાટવાની ઘટના બની હતી. જેમાં આ ઘરમાં રહેતા પરિવારના પાંચ લોકો અને અન્ય એક વ્યક્તિ દાઝી ગયા હતા. આ પરિવાર રાજસ્થાનનો છે. પરિવારના બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો સાથે અન્ય એક પાડોશી હોવાનું પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષે પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલા છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા.
રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે જે રૂમમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવકે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો હતો. જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર છે.
ધડાકાના કારણે બારી બારણાના કાચ તૂટી ગયા સોસાયટીના રહીશ દિલીપભાઈએ જણાવ્યું હતું કે, સવારે 6:20 કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો. હું સામેની સાઈડ જ રહું છું. બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા જેથી 108ને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના પગલે 6 લોકો દાઝી ગયા હતા. આ સાથે જ ઘરમાં આગ લાગી હતી જેથી સામાન પણ બળી ગયો છે. ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય