એચપીસીએલને રેસીડેન્સ કોલોની બનાવવા વેચેલી ૨૫૫૬ ચો.મી. જમીન પર ખડકાયેલું મંદિર તોડવા ટીપી શાખા ત્રાટકી ભાવિકોની ભાવનાને ધ્યાનમાં રાખી બે દિવસની મુદત અપાઈ: ત્રીજી વાર મંદિરનું ડિમોલીશન અટકયું
શહેરના વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા ગોપાલ ચોકમાં આવેલા મહાપાલિકાના પ્લોટમાં ખડકાયેલા હનુમાનજીના મંદિરનું ડિમોલીશન માટે ત્રાટકી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય ભાવિકોની વિનંતી અને ભાવનાને ધ્યાનમાં રાખી મંદિરનું ડિમોલીશન અટકાવી દેવામાં આવ્યું હતું અને સ્વૈચ્છાએ મંદિર તોડી પાડવા માટે મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વેસ્ટ ઝોન કચેરીના ટાઉન પ્લાનીંગ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ ઉપર ગોપાલ ચોકમાં રૈયા ટીપી સ્કીમ નંબર ૪ના ફાઈનલ પ્લોટ નં.૫૧૧ પૈકીની ૨૫૫૬ ચો.મી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને મહાપાલિકા દ્વારા રેસીડેન્સ કોલોની બનાવવા માટે વેચાણથી આપવામાં આવી છે. આ પ્લોટ ખાલી કરાવી એચપીસીએલને સોંપવાની કામગીરી હાથ ધરવાની હોય. આજે સવારે આ પ્લોટમાં ખડકાયેલા હનુમાનજીના મંદિરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બે વખત આ મંદિર હટાવવા માટે ડિમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ રાજકીય ભલામણના કારણે ડિમોલીશન થઈ શકયું ન હતું.હનુમાનજીના મંદિર પર બુલડોઝર ફરે તે પૂર્વે ભાવિકોએ મહાપાલિકાના સ્ટાફને એવી અરજ કરી હતી કે, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મંદિરના સ્થળાંતર માટે તેઓ વિધિવત પુજા-અર્ચના કરવા માંગે છે તો આજે મંદિરનું ડિમોલીશન ન કરી તેઓને ૧૦ દિવસનો ટાઈમ આપવામાં આવે. ૧૦ દિવસમાં તેઓ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે સ્થળાંતર કર્યા બાદ મંદિરનું સ્વૈચ્છાએ ડિમોલીશન કરી નાખશે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સાથે ચર્ચા કર્યા બાદ ટીપી શાખાએ મંદિર હટાવવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હોવાનું ટીપી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ ઉપર ગોપાલ ચોક પાસે આવેલા મહાપાલિકાના પ્લોટમાં હનુમાનજીના મંદિરમાં આજે ડિમોલીશન બંધ રાખવામાં આવ્યું છે પરંતુ ભાવિકોને ૧૦ દિવસની નહીં માત્ર ૨ દિવસની મુદત આપવામાં આવી છે. જો બે દિવસની અંદર મૂર્તિનું સ્થળાંતર કરી સ્વૈચ્છાએ મંદિર તોડી પાડવામાં નહીં આવે તો મહાપાલિકા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે.