સિવિલ હોસ્પિટલ મુલાકાત દરમિયાન સફાઇનું કર્યુ નિરિક્ષણ: ઇમરજન્સી વોર્ડમાં એસી તેમજ અન્ય જરુરી સાધન સામગ્રી વસાવાશે: દર્દીઓના ખબર અંતર પૂછયા
‘મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન’કાર્યકમ યોજાયો હતો. તેના અંતર્ગત રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સરપ્રાઇઝ ચેકીંગ કરી ઇમરજન્સી બોર્ડમાં એસી ફીટ કરાવવા સુચના આપી રૂ ૫૦ લાખ સુધીની ગ્રાન્ટ ફાળશે તેવી જાહેરાત કરી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજકોટ સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ સિવીલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી હોસ્પિટલની સફાઇ વ્યવસ્થા નિહાળી હતી. મોહનભાઇ કુંડારીયાએ સીવીલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, હોસ્પિટલના ગ્રાઉન્ડ અને મેડીકલ કોલેજના લેબોરેટરી વિભાગની મુલાકાત લીધી હતી.
ઇમરજન્સી રુમમાં સારવાર અર્થે આવતા દર્દીઓને રાહત મળી રહે તે માટે ઇમરજન્સી વોર્ડના તમામ રૂમમાં એસી ફીટ કરવા સુચના આપી હતી. આ ઉપરાંત વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રૂ ૫૦ લાખ સુધીની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. મેડીકલ કોલેજના કમ્પાઉન્ડમાં મોહનભાઇ કુંડારીયા સહીતનાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો. સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરીથી સાંસદ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે રાજકોટ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, ડીન ડો. યોગેશભાઇ ગોસ્વામ, સિવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, આર.એમ.ઓ. ડો. રોય ડો. નથવાણી, એ.એચ.એ. ડો. સિઘ્ધિબેન, રાજુભાઇ ત્રિવેદી, સિકયુરીટી ઇન્ચાર્જ ગીરીરાજસિંહ, ડો. મધુલીકાબેન મીસ્ત્રી મેટ્રન ઝાંખરીયા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકીંગ અર્થે આવેલા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓમાં રાહત મળે તે માટે ઇમરજન્સી વોર્ડના તમામ રુમમાં એસી અને એમ્બ્યુલન્સ સહીતના ઘટતા સાધનો માટે ગ્રાન્ટમાંથી રૂ ૫૦ લાખ સુધીની જાહેરાતકરી છે. આ ઉપરાંત નવ નિર્મિત બિલ્ડીંગથી સૌરાષ્ટ્રના લોકોને સુવિધા પ્રાપ્ત થાય તેના માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.