સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 સંપન્ન. ટ્રેકિંગ કેમ્પમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી 510 જેટલા NCC કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી બન્યા. કેમ્પમાં જુનારાજ ઇકોલોજીકલ રિઝર્વ ફોરેસ્ટ ટ્રેકનો 28 કિમી, કરજણ ડેમ ટ્રેકનો 15 કિમી, સુંદરપુરા ટ્રેકનો 10 કિમી અને સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનો સમાવેશ કરાયો.
NCC ગ્રુપ હેડક્વાર્ટર વડોદરા દ્વારા તા. 17 મી થી 24 નવેમ્બર – 2024 દરમિયાન ગુજરાત NCC લીડરશિપ એકેડેમી, રાજપીપળા ખાતે સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દેશના ભાવિ યુવાનોમાં એકતા અને શિસ્તની ભાવના કેળવે છે. એક કુશળ અને સાહસિક યોદ્ધા તૈયાર કરે છે. આ ટ્રેકિંગ કેમ્પમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી ઉત્સાહી 510 સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન NCC કેડેટ્સે ભાગ લીધો હતો. આ ટ્રેકને 6 ગુજરાત ગર્લ્સ Bn NCC- સુરતના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જે.એસ. કુલાર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો.
ટ્રેકિંગ કેમ્પ સાતપૂડાની હરિયાળી ગિરીકંદરાઓથી આચ્છાદિત નર્મદા જિલ્લાના કરજણ ડેમની નજીકમાં યોજવામાં આવ્યો હતો. તેમાં નર્મદા જિલ્લામાં જુનારાજ ઇકોલોજીકલ રિઝર્વ ફોરેસ્ટ ટ્રેકનો 28 કિમી, કરજણ ડેમ ટ્રેકનો 15 કિમી, સુંદરપુરા ટ્રેકનો 10 કિમી અને સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેમ્પ દરમિયાન વોલીબોલ, ટગ ઓફ વોર, નેશનલ ઈન્ટીગ્રેશન પ્રેઝન્ટેશન, લોક સંગીત અંતાક્ષરી જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.
આ ઇવેન્ટ કેડેટ્સને નેતૃત્વના ગુણો વિકસાવવા, તેમની શારીરિક સહનશક્તિ, આત્મવિશ્વાસ અને જૂથ શિક્ષણની કસોટી કરવામાં મદદ કરશે, જે કેડેટ્સ માટે જીવન બદલી નાખનાર અનુભવ બની રહેશે. આ ટ્રેકિંગ કેમ્પના અંતે કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોતાના રાજ્યની સંસ્કૃતિ, લોકનૃત્ય અને ગાયન પ્રતિભાનું નિદર્શન કર્યું હતું. શિબિરનું સમાપન સંબોધન કર્નલ જે.એસ. કુલાર, ડીવાય કેમ્પ કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. એનસીસી સીડીટીએસ અને એસોસિયેટ એનસીસી અધિકારીઓને ઈનામો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કર્યા હતા.