સમગ્ર સૌરાષ્ટ્રમાં લાઈટ ડીઝલના ગેરકાયદેસર વેચાણનો ધીકતો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની ઉઠેલી બૂમ વચ્ચે માંગરોળના લાલબાગ વિસ્તારમાંથી પોલીસે ૯૪૦૦ લિટર ડીઝલનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી એકની અટક કરી છે.પોલીસ અને વહીવટીતંત્રની સંયુક્ત કાયઁવાહીને પગલે ઈંઘણનો બિન અધિકૃત વેપલો કરતા ઈસમોમાં ખડભડાટ મચી ગયો છે.
જાણવા મળતી માહિતી મુજબ:-પ્રમાણમાં હલકી ગુણવત્તા અને અધિકૃત ડીઝલ કરતા ૧૫ થી ૧૮ રૂ. ઓછી કિંમતે એલડીઓ ડીઝલનું અનેક હાઈવે અને શહેરોમાં ઉઘાડે છોગ ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. એક તરફ રાજય સરકારના ટેક્ષની ચોરી થઈ રહી છે. તો બીજી તરફ લાખો રૂ.નું રોકાણ કરનારા પેટ્રોલપંપ ધારકોને વેચાણમાં ફટકો પડયો છે. મોટા ભાગે ટ્રકોમાં આ ડીઝલ વપરાઈ રહ્યું છે. જેનાથી વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.
પીયુસી મશીનથી ચેકિંગ હાથ ધરવામાં આવે તો આવા ઈંઘણના વેચાણ અને વપરાશ પર અંકુશ આવી શકે તેમ કહેવાય છે. તંત્રની મીઠી નજર તળે ચાલતા આ કૌભાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો અનેકના પગ તળે રેલો આવે તેમ છે.
દરમ્યાન માંગરોળના જલારામ મંદીરની પાછળના ભાગે લાલબાગ વિસ્તારમાં એક પોલ્ટ્રી ફામઁની બાજુમાં આવેલી એક ઓરડીમાં અબ્દુલભાઇ મહમંદભાઈ કાલવાત ગેરકાયદેસર રીતે ડીઝલનો મોટો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ આર.એમ.ચૌહાણ, એએસઆઈ એસ.પી.મકવાણા, કો. સુરેશભાઈ, પ્રતાપસિંહ, અરવિંદભાઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.
જાણે મીની ફેકટરી ધમઘમતી હોય તેમ ઓરડીની અંદર અને બહાર ડીઝલના ટાંકા, બેરલો જોવા મળ્યા હતા. જે શંકાસ્પદ જણાતા મામલતદાર પી.જે.શાહને બોલાવાયા હતા. પોલીસે ડીઝલના જથ્થા અંગે આધાર પુરાવાઓ માંગતા અબ્દુલભાઇએ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પરિણામે ૪.૭૦ લાખની કિંમતનું ડીઝલ તેમજ સપ્લાય માટે ઈલેકટ્રીક મોટરો, નોજલો અને ખાલી બેરલો કબ્જે કરી સીઝ કયાઁ હતા. પોલીસ બનાવ અંગે સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ કાયઁવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com