નોટબંધી બાદ જમા થયેલી નોટમાં છબરડાની આશંકા: રૂ૧૦૦૦ની ૯૯ ટકા નોટો સિસ્ટમમાં પરત ફરતા અનેક તર્ક-વિતર્ક
મોદી સરકારની નોટબંધી બાદ રૂ.૧૦૦૦ અને ૫૦૦ની કેટલી નોટ આરબીઆઈમાં પરત ફરી તે અંગે હજુ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી. નોટબંધીના નિર્ણયને અંદાજે ૧૦ મહિના જેટલો સમય થયો હોવા છતાં આરબીઆઈ સાચી વિગતો જાહેર કરવામાં નિષ્ફળ રહી છે. જો કે રિઝર્વ બેન્કે હવે પોતાની વેબસાઈટ ઉપર રૂ.૧૦૦૦ની લગભગ ૯૯ ટકા નોટો સીસ્ટમમાં પરત આવી હોવાનો દાવો કર્યો છે. મતલબ કે, અગાઉ સરકારે દેશમાં કાળુ નાણુ બહોળા પ્રમાણમાં હોવાની કરેલી જાહેરાત પોકળ નીકળે તેવો ઘાટ સર્જાયો છે.
એક તરફ સરકારે ૧૦૦૦ અને ૫૦૦ ‚પિયાની નોટો કાળુ નાણુ સીસ્ટમમાંથી સાફ કરવા બંધ કરી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ હવે આરબીઆઈ રૂ.૧૦૦૦ની ૯૯ ટકા નોટો પરત ફરી હોવાનું કહી રહી છે. બન્ને આંકડા વચ્ચે અસમાનતા દેખાઈ આવે છે. જો રૂ.૧૦૦૦ની ૯૯ ટકા નોટો પરત ફરી હોય તો મતલબ થયો કે ૧૦૦૦ની નોટો કાળા નાણાના સંગ્રહમાં ઉપયોગમાં લેવાતી નહોતી અથવા સરકારની લાપરવાહીથી આવી નોટો પાછલા બારણેથી ફરીથી સીસ્ટમમાં પ્રવેશી ચુકી છે અને નોટબંધીની સમગ્ર કવાયતની કોઈ અસર થઈ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૧૭ સુધીમાં ૭૯૨૫ કરોડની નોટો સર્કયુલેશનમાં હતી. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે સર્કયુલેશન વાળી નોટ એ છે જે બેંકની બહાર ચલણમાં ફરતી હોય, બેંકના મતે ૮ નવેમ્બરે નોટબંધી જાહેર થઈ ત્યારે ૬૮૫૮ કરોડની રૂ.૧૦૦૦ની ચલણી નોટો સર્કયુલેશનમાં હતી. ત્યારથી અત્યાર સુધીમાં બેંકમાં જમા કરાયેલી નોટોનો આંકડો ગણતા રૂ.૧૦૦૦ની ૯૯ ટકા નોટો પરત ફરી હોવાનું અનુમાન છે.
જેએનયુના અર્થશાસ્ત્રના પ્રોફેસર સુરજીત મજુમદારના મત મુજબ જે રીતે રૂ.૧૦૦૦ની નોટો પરત ફરી તે રીતે રૂ૫૦૦ની નોટ પણ પરત આવી જ હશે. જો આ સંખ્યામાં નોટો સીસ્ટમમાં પાછી ફરી હોય તો કાળા નાણાની સમસ્યાનો કોઈ ઉકેલ જણાતો નથી. કૌભાંડીઓએ કાળા નાણાને અનેક છટકબારીથી સીસ્ટમમાં પરત ઘુસાડી દીધું હોવાનું તાજેતરના આંકડાથી માલુમ થઈ શકે. અલબત આરબીઆઈ આ મામલે સત્તાવાર ફોડ પાડે નહીં ત્યાં સુધી માત્ર તર્ક જ લગાવી શકાય.