પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં ખુલાસો: મહિલાઓ કરતા પુષોમાં હ્રદય હુમલાનો ભય વધુ
આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં બાળકથી માંડી વૃઘ્ધો દરેક ક્ષેત્રે રેસમાં હોય તેમ લાગી રહ્યું છે. ભાગદોડમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેતા નથી અને આ જ કારણસર હાર્ટઅટેક સહીતની બીમારીઓનું જોખમ વઘ્યું છે. તેમાં પણ એક સર્વેમાં ખુલાસો થયો છે કે જે લોકો સુખી સંપન્ન, સમૃઘ્ધ અને શિક્ષીત હોય તેઓમાં હાર્ટએટેકનું જોખમ સૌથી વધુ હોય છે.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને હારવર્ડ ટીએચ ચેન સ્કુલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, શહેરી વિસ્તારોમાં રહેતા સુખી, સંપન્ન, શિક્ષીત લોકોમાં કાર્ડીઓવસ્કયુલર ડીસીઝ એટલે કે હાર્ટએટેકનું જોખમ અન્ય કરતાં વધુ હોય છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ કરતાં પુરુષોમાં આ જોખમ વધુ છે.
દિલ્હીના એક ડો. આશિષ અવસ્થીએ જણાવ્યું છે શહેરી વિસ્તારના સમૃઘ્ધ લોકોની સાથે ગ્રામ્ય વિસ્તારના સમૃઘ્ધ લોકોમાં પણ હાર્ટએટેકનું જોખમ વધુ છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં કુલ મૃત્યુના ૧૮ ટકા મોત હાર્ટએટેકના લીધે જ થાય છે.આ સર્વે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી બે વર્ગના ૮ લાખ ભારતીયો વચ્ચે કરાયો હતો.
ભારતમાં ૩૦ થી ૭૪ વર્ષ સુધીની વય ધરાવતા લોકોમાં સીવીડીનું જોખમ વધુ જણાઇ આવ્યું છે. તેમાં પણ આ પ્રમાણ સૌથી વધુ ખરાબ દક્ષિણ, પૂર્વીય ભારતમાં છે પાન, ગુટકા અને બીડી બીસ્ટોલના સેવનથી ફેફસાને નુકશાનની સાથે હ્રદય હુમલાનું જોખમ વધારે છે. સમૃઘ્ધ અને સુખી સંપન્ન લોકો સ્મોકીંગ ગરીબોના પ્રમાણમાં ઓછું કરતા હોય છે પરંતુ તેઓના હાયર બોડી માસ ઇન્ડેક્ષ ઉંચુ લોહીનું દબાણ અને ડાયાબીટીસના કારણે હાર્ટએટેકનું જોખમ વધુ સતાવે છે.