- સરળતાથી વિદ્યાર્થી બસ પાસ નીકળી શકે તે અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ: વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વિદ્યાર્થીઓને બસ પાસની મુશ્કેલી ન પડે અને બસ પાસની કાર્યવાહી વધુ સરળ બને તે માટે કીડીવાવની સ્કૂલમાં સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને સરળતાથી બસ પાસ નીકળી જાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ સુધી આવવું ન પડે તે માટે સ્કૂલમાંથી સહી-સિક્કા સાથે પાસ મોકલવા અને ઓનલાઇન ફોર્મ ભરી આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, “શ્રી વિનોબા વિદ્યામંદિર” સીમાર કીડીવાવ ખાતે વેરાવળ એસ.ટી. ડેપોના કાર્યક્ષેત્રના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ વડે મુસાફરી કરે છે. જેથી અહીં વિદ્યાર્થી પાસ, ફ્રી વિદ્યાર્થિની પાસ કઢાવવા અંગે તેમજ ઓનલાઇન પોર્ટલમાં એન્ટ્રી કરવા અંગે એક સેમિનાર યોજાયો હતો. જેમાં સ્કૂલ સંચાલકો અને વિદ્યાર્થીઓને પાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં સ્કૂલ સંચાલકો દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી સ્કૂલના સહી-સિક્કા કરી એકસાથે મોકલી આપવા આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં કોઈ અગવડતા ન ભોગવવી પડે અને બસ સ્ટેન્ડ સુધી આવવું ન પડે અને સહેલાઇથી પાસ મળી રહે તે મુજબના આયોજન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
અહેવાલ: અતુલ કોટેચા