- આપત્તીના સમયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવ અંગે માર્ગદર્શન અપાયું
- આપત્તીના સમયમાં બચાવ કેવી રીતે કરવો તે અંગે વિદ્યાર્થીઓ-શિક્ષકોને તાલીમ અપાઈ
- તાલીમમાં હાઈસ્કુલના આચાર્ય, વિદ્યાર્થીઓ સહિતના લોકો રહ્યા ઉપસ્થિતિ
ગીર સોમનાથ: વેરાવળ જિલ્લા વહિવટી તંત્ર અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા સરકારી બોય્ઝ હાઈસ્કૂલ, વેરાવળ ખાતે એક દિવસીય ડિઝાસ્ટર તાલીમ અન્વયે ઈમરજન્સી અને સેફટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ હતી. જેમાં ધોરણ-09 થી 12નાં 300 વિદ્યાર્થીઓ અને 20 શિક્ષકોને આપત્તીના સમયમાં બચાવ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.
વારંવાર પૂર, વાવાઝોડું, ભૂકંપ, તેમજ ઔદ્યોગિક આફતોની માનવસર્જિત તેમજ કુદરતી આપત્તીની પરિસ્થિતિમાં આપદા પહેલા અને આપદા દરમિયાન તેમજ આપત્તી પછી શું-શું કરવું જોઈએ જેની વિગતવાર સમજ અને તાલિમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આપત્તીના સમયે વ્યકિતગત બચાવ, સામૂહિક બચાવ, પારિવારીક બચાવ કઈ રીતે કરવો વગેરે જેવી બાબતો શીખવાડવામાં આવી હતી. આ તાલીમમાં તમામ બાળકોને બપોરનું સ્વાદિષ્ટ ભોજન અને કાર્યક્રમના અંતે તમામ બાળકો/સ્ટાફને પેન, પેડ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી.
આ તાલીમમાં વેરાવળ ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયરનું મોક સેશન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને આગના પ્રકારો, આગ કેવી રીતે લાગે, આગનું શમન કેવી રીતે કરવું તે અંગેની પ્રેકટીકલ સમજ આપવામાં આવી હતી.
આ તાલીમમાં સરકારી બોય્ઝ હાઈસ્કુલના આચાર્ય વી.બી.ખાંભલા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ વાય.બી.ચાવડા, સંકલનકર્તા અલ્પેશ કનોડીયા, માસ્ટર ટ્રેઈનર દિનેશ વિરડીયા, નિકુંજભાઈ, વિરલભાઈ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી.
અહેવાલ: અતુલ કોટેચા