- સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા
- સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો
વિંછીયામાં લેન્ડ ગ્રેબીગ ફરીયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની ત્રણ દિવસ પહેલા હ*ત્યા થઇ હતી. જે મામલે વિંછીયા સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા છે. આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકર, કોળી સમાજના આગેવાન, રમેશ મેર, કોંગ્રેસના ભોળા ગોહિલ,અવસર નાકિયા, કોળી સમાજના આગેવાનો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં Dysp ,રાજકોટ LCB, SOG તેમજ પોલીસ કાફલો ખડેપગે હાજર છે. સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વીછિયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા વીંછિયા બોટાદ રોડ પર આઈસર રીપેર કરાવી રહ્યા હતા. ત્યારે અચાનક કેટલાક શખ્સોએ ત્યાં ધસી આવીને કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમને વીંછિયા બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હ*ત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં શેખાભાઈ ગભરૂભાઈ સાંભડ સહિતના 7 આરોપીએ એકસંપ થઈ હ*ત્યાનું કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતું. મૃતકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોવાનો ખાર રાખી તેમના પર હુમલો થયાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો અને બનાવની તટસ્થ તપાસ કરવા અને આરોપીઓની ધરપકડ કરવાન માગણી સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા વીંછિયા બંધનુ એલાન અપાયું હતું. જેને પગલે ગામ સજ્જડ બંધ રહ્યું હતું.
ત્યારબાદ બપોરે કોળી સમાજના આગેવાનોએ મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને તમામ હ*ત્યારાઓની ધરપકડ ન કરાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી આપી હતી. ઘનશ્યામ રાજપરા સંતાનમાં 4 પુત્રી અને એક પુત્ર છે. પોલીસે એક શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરી અન્ય હ*ત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે ગોંડલના DYSP જે. જી. ઝાલા એ જણાવ્યું હતું કે, વીંછિયા પોલીસ સ્ટેશનમાં લખમણભાઈ શિવાભાઈ રાજપરાએ ફરિયાદ લખાવી છે. જેમાં મૃત્યુ પામનાર તેમના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંબડ તથા ત્રણ અજાણ્યા માણસો તેમજ તપાસમાં ખુલે તેઓએ કલમ 103(1), 115(2), 118(2)54 અને 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી હતી. આ મર્ડરની તપાસ વીંછિયા પીએસઆઈ ઈન્દ્રજીતસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે. આ કામે એલ.સી.બી. તથા વીંછિયા પોલીસની જુદીજુદી ટીમ આરોપીઓને પકડવા માટે લાગી હતી. તેમાં એક અજાણ્યા શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને બાકીને ધરપકડ કરવા તજવીજ ચાલું છે.
અહેવાલ: કાળું રાઠોડ