- 200 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વલસાડ: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના પારનેરા ડુંગર પર દ્વિતીય રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, અધિક નિવાસી કલેક્ટર એ. આર. જ્હા અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર 9 થી 13 મીનિટમાં 684 પગથિયા ધરાવતો પારનેરા ડુંગર ચઢીને પરત આવેલા સ્પર્ધકોની તંદુરસ્તીને બિરદાવી ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં ભાગ લેવું ઘણું મહત્વનું છે, હાર જીતનું નથી. સ્પર્ધામા ભાગ લેવા બદલ સૌ સ્પર્ધકોને અભિનંદન આપ્યા હતા. સરકાર રમતગમત ક્ષેત્રે અનેક કાર્યો કરી રહી છે તેથી રમત ગમત ક્ષેત્રે દરેક આગળ વધો એવી આશા વ્યક્ત કરી હતી. સરકાર અને વહીવટી તંત્રના સહયોગથી માતાજીના ધામ અને કિલ્લાને કારણે ગુજરાતભરમાં વિખ્યાત પારનેરા ડુંગરનો પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ કરવામાં આવશે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશીએ સ્વાગત પ્રવચન કરી સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી 19 થી 35 વર્ષ (સિનિયર વયજૂથ)ના 120 યુવક અને 80 યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ 1 થી 10 યુવક અને યુવતીઓ મળી કુલ 20 વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે રૂ. 25 હજાર, બીજા ક્રમે રૂ. 20 હજાર અને ત્રીજા ક્રમે રૂ. 15000 થી લઈને 10માં ક્રમે વિજેતા થનારને રૂ. 5000 સુધીની ઈનામની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાશે. તમામ 20 વિજેતાઓના બેંક ખાતામાં કુલ રૂ. 234000 ની રકમ જમા કરાશે. અહીં વિજેતા થયેલા સ્પર્ધકો જુનાગઢના ગિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી જી.જી.વળવી, મામલતદાર પી.કે.મોહનાની, ઉત્તર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. સી. ગામીત, પારનેરા સરપંચ ભરત પટેલ, પારનેરા ડુંગર ચંડીકા, અંબિકા, નવદુર્ગા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુ પટેલ, પંકજ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.