વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીનો ‘‘સડક સુરક્ષા, જીવન રક્ષા’’ની ટેગલાઈન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ દીપ પ્રાગ્ટ્ય કરી જણાવ્યું કે, ઘણીવાર અમુક અકસ્માતો ખાડાના કારણે અથવા ભયજનક વળાંકને કારણે પણ થાય છે, જેથી રોડ સુધારણા કામગીરી કરવાની જરૂર છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકોના હોર્ન કાઢી દંડનીય કામગીરી કરવી જરૂરી છે. વાહનોમાં લગાવવામાં આવતી એલઈડી લાઈટથી સામે વાળા વાહન ચાલકની આંખ અંજાઈ જતા પણ અકસ્માતો થઈ રહ્યા છે તેની સામે પણ કાર્યવાહી જરૂરી છે.
વાહનો પણ પાછળના ભાગે રેડિયમની પટ્ટી અવશ્ય લગાવેલી હોવી જોઈએ. પદયાત્રીઓની સુરક્ષા બાબતે અને સાંકડા રસ્તાને પહોળા કરી શક્ય હોય તો ડિવાઈડર બનાવવા માટે પણ કલેકટરએ સૂચન કર્યુ હતું. વધુમાં તેમણે હેલમેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ જણાવ્યુ હતું. કલેકટરએ યુવાધનને સંદેશ આપતા કહ્યું કે, સ્પીડનો આનંદ ક્ષણિક છે પરંતુ અકસ્માતમાં મોત અથવા ગંભીર રીતે ઘાયલ થયા બાદ પરિવાર મુશ્કેલીમાં મુકાતો હોય છે જેથી નવા વર્ષમાં વાહન ચલાવતી વખતે પોતાની તથા અન્યની કાળજી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
અધિક જિલ્લા કલેકટર અનસૂયા જ્હાએ જણાવ્યું કે, માર્ગ અકસ્માત સામે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવા માટે આરટીઓ દ્વારા શાળા કોલેજોમાં પ્રોગામો કરવા જરૂરી છે. વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાએ જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2024માં 1.7 લાખથી વધુ લોકો અકસ્માતમાં મોતને ભેટયા છે. સાડા ચાર લાખથી વધુ લોકો અકસ્માતમાં ઘાયલ થતા કાયમી ખોડખાપણ ધરાવે છે. જેમાં મુખ્યત્વે 18 થી 45 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે.
ટુ વ્હીલર વાહન ચાલકો અને રાહદારીઓ માર્ગ અકસ્માતમાં 64 ટકા હિસ્સો ધરાવે છે. જેથી આગામી દિવસોમાં શાળા કોલેજોમાં પોલીસ સાથે મળી માર્ગ સલામતી અંગે જાગૃત્તતા સેમિનાર, બ્લેક સ્પોટ અંગે સમીક્ષા, આરોગ્ય વિભાગ અને 108 દ્વારા પ્રાથમિક સારવાર અંગે તાલીમ અને બ્લેડ ડોનેશન કેમ્પ તેમજ હેલમેટ, સીટ બેલ્ટને લગતી દંડનીય કામગીરી કરાશે. આરોગ્ય ખાતા સાથે મળી આઈ ચેકઅપ કેમ્પ કરાશે. જીઆઈડીસીઓમાં જઈ હેવી વ્હીકલ ચલાવતા વાહન ચાલકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.