વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ 2024 માં ડેન્ગ્યુંના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો છે. વર્ષ – 2023માં સીરો પોઝિટિવ રેટ 5.83% ની સામે વર્ષ -2024માં 3.22% રહ્યો છે. ઘરે ઘરે ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટી જેવી કામગીરીને ઝુંબેશ રૂપે લઇ જિલ્લાની તમામ વસ્તીને આવરી લઇ વાહકજન્ય રોગોને અટકાવવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને લોકોમાં પણ જનજાગૃતિના પરિણામે સકારાત્મક પરિણામ મેળવવા જિલ્લા આરોગ્ય તંત્ર સફળ રહ્યું હતું. વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં વર્ષ 2023માં વર્ષમાં ડેન્ગ્યુના 1749 શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી.
જેમાંથી 103 કેસ કન્ફર્મ મળી આવ્યા હતા, જે તમામને સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યા હતા. જેની સરખામણીએ વર્ષ 2024માં ડેન્ગ્યુના ૨૩૨૫ શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 75 કેસ કન્ફર્મ મળી આવ્યા હતા, જે તમામને પણ સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા મેલેરિયા અધિકારી વિરેન પટેલે જણાવ્યું કે, ગત 2024ના વર્ષમાં બાંધકામ સાઈટોના કોન્ટ્રાકટરો, ખાનગી ડોકટરો, NGO, સરપંચ, ગામના આગેવાનો સાથે સંકલનમાં રહી લોકોનો સહકાર મેળવી આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે. નવા ચાલુ થયેલા વર્ષ 2025માં પણ આજ પ્રમાણે આયોજન કરી રોગ નિયંત્રણ અટકાયત અને નિયંત્રણની કામગીરી માટે જરૂરી તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવશે, જેમાં લોકોનો સહયોગ મળી રહે તે માટે અપીલ કરવામાં આવે છે.