વલસાડ: પ્રભારી મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ વર્ષ 2023-24માં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજુર થયેલા કામોની સમીક્ષા કરી હતી અને પ્રગતિશીલ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચન કર્યું હતું.
વર્ષ 2024-25 દરમિયાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત જોગવાઇઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં વર્ષ 2024-25 દરમિયાન ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામુહિક આરોગ્ય તથા અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સરંક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની રજૂઆતો કરવામાં આવી હતી. જે અંતર્ગત આ જોગવાઈ હેઠળ અગ્રતાના ધોરણે જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ, વલસાડ – ડાંગ સાંસદ ધવલ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર અનસુયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. કલસરિયા, તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.