વડોદરા: રાજરોગ તરીકે ઓળખાતા ટીબીના રોગને નિર્મૂલ કરવા માટે સરકાર દ્વારા આરંભવામાં આવેલા અભિયાનમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. સાવલી તાલુકામાં ટ્રસ્ટના સહયોગથી ટીબીના દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી હતી.
સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા તેમની દીકરી દેવાંગીના જન્મ દિવસે મહેન્દ્ર ઈનામદાર ચેરીટેબલ સંસ્થાનાં સહયોગથી અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત વડોદરાનાં સહયોગથી સાવલી તાલુકામાં ટીબીની દવા લઇ રહેલા કુલ 175 દર્દીઓને ટીબી રોગમાંથી ઝડપથી સાજા થવા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, ધારાસભ્ય કેતન ઈનામદાર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણ, ડો. વિપુલ ત્રિવેદી ડી.ટી.ઓ. વડોદરા, તથા સાવલી તાલુકાના અધિકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.