માર્કેટીંગ યાર્ડ, ડેરી સાયન્સ કોલેજ સહિતના પ્રોજેકટનું લોકાર્પણ: ભાજપ સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ સહિતના કાર્યોમાં શ્રમદાન આપશે
વડાપ્રધાન મોદી આવતીકાલે અમરેલીમાં પોતાનો જન્મ દિવસ મનાવશે. વિઝન, મિશન અને એકશન લીડર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવવાનું ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સેવા દિવસ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન મોદી અમરેલીમાં સભા સ્થળે રીમોટ કંટ્રોલથી ડેરી સાયન્સ કોલેજ (શેડુભાર)નું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત લાઠીના અકાળા ખાતે રૂ.૧૫ કરોડના ખર્ચે લોકભાગીદારીથી તૈયાર થયેલા જળાશય અને ચેકડેમોનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. આ ઉપરાંત નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડનું પણ વડાપ્રધાનના હસ્તે ખુલ્લુ મુકાશે. આ માર્કેટીંગ યાર્ડ રૂ.૧૪૫ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પક્ષના કાર્યકરો, સંસદ સભ્યો અને ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સેવાકાર્યોમાં જોડાશે.
વડાપ્રધાન મોદી દેશની ધુરા સંભાળ્યા બાદ પ્રથમ વખત અમરેલીના પ્રવાસે જવાના છે. જયાં તેઓ લોકઉપયોગી પ્રોજેકટના લોકાર્પણ કરશે. સેન્ટ્રલ લેવલે પણ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ઠેર-ઠેર સફાઈ થશે. આ માટે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અધિકારીઓને આદેશો આપ્યા છે. વિવિધ સામાજીક કાર્યકરો શૌચાલયના નિર્માણ અને સાફ સફાઈ સહિતના કાર્યોમાં શ્રમદાન આપશે.
આવતીકાલે વડાપ્રધાન મોદી જે માર્કેટીંગ યાર્ડનું લોકાર્પણ કરવાના છે તે ખુબજ અત્યાધુનિક છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો વેપારીઓને રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, ગેસ્ટ હાઉસ, વેર હાઉસ, કૃષિ મોલ, ખેડૂત ટ્રેનીંગ સેન્ટર, હરરાજીનું પ્લેટફોર્મ, ગોડાઉન, ખુલ્લા પ્લોટ સહિતની સુવિધાઓ મળી રહેશે.