- ખાખીનો ખોફ ઓસર્યો?
- યુનિવર્સીટી, ગાંધીગ્રામ અને એ ડિવિઝન પોલીસમાં 14 હુમલાખોરો વિરુદ્ધ ગુન્હા દાખલ
- અગાઉ થયેલા હુમલાનો ખાર રાખી ફ્રૂટના વેપારી પર રીક્ષાચાલક બંધુ સહીત ત્રણ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો : બચાવવા પડેલા મિત્રને પણ છરી ઝીંકી દેવાય
શહેરમા જાણે આવારા અને લુખ્ખા તત્વોને ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તેવી રીતે છાસવારે હત્યાથી હુમલા સુધીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ફક્ત 24 કલાકમાં ચાર જેટલાં હુમલાના બનાવ સામે આવ્યા છે. જે હુમલાની ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયાં છે જયારે 14 હુમલાખોરો વિરુદ્ધ યુનિવર્સીટી, એ ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસમાં અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો રૈયા રોડ પરની પારિજાત સોસાયટીમાં ભર બપોરે આલાપ ગ્રીન સિટી આગળ આર.એમ.સી ક્વાર્ટરમાં થયેલ ઝઘડાનો ખાર રાખી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. મામલામાં રૈયારોડ પર આવેલ આર.એમ.સી ક્વાર્ટરમાં રહેતા અંકિતભાઈ ભીખુભાઈ સોલંકી (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અહેમદ હુસેન કાદર કટારીયા (રહે.આર.એમ.સી ક્વાર્ટર નં.412), અમીન કાદર કટારીયા અને નવાબ ફઝલ શેખ (રહે. બંને શિવપરા, રૈયા રોડ) નું નામ આપતાં યુની. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મામલામાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે આલાપ ગ્રીન સિટી ચોકમાં ફુટની લારી રાખી વેપાર કરે છે. ગઈકાલે બપોરના સમયે તે ઘરે જમવા માટે ગયેલો હતો ત્યારે ઘર પાસે નીચે તેમના કાકી નીતાબેન સાથે કોઈ અજાણી મહિલા ઝઘડો કરતી હતી. ત્યારે ત્યાં એક છોકરો હતો, જેને ત્યારે સમજાવેલ કે, જે કાંઈ ઝઘડો હોય તે પુરો કરવાનું કહેતાં ત્યારે એકબીજાને સમાધાન થઈ ગયેલ હતું. બાદમાં બનાવ બાબતે કાકીને પૂછતા તેમને કહેલ કે, તેમનો દીકરો જયેશ દુકાને ભાગ લેવા ગયેલ ત્યારે ત્યાં જાણી વ્યક્તિ રિક્ષા લઈ આવેલો અને તેણે જયેશના પગની બાજુમાંથી રીક્ષા ચલાવતા સામાન્ય ઈજા થઈ હતી. જેથી તે બાબત કાકી રિક્ષાવાળાને કહેવા જતા તેણે ઝઘડો કરેલો હોવાની વાત કરેલી હતી. ત્યારબાદ તે જમીને તરત જ ફ્રૂટની રેકડી કાઢવાની હોય જેથી આલાપ ગ્રીન સીટી ચોકમાં રેકડીમાં ક્રુટ ભરતો હતો ત્યારે તેમની સાથે કામ કરતો અજય સાથે ફ્રુટ ભરતા હતા ત્યારે એક સી.એન.જી. રીક્ષા ધસી આવી હતી.
જેમાં એક વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો અને તેની પાછળ બે વ્યક્તિ બેઠેલા હતા. જે બંને નીચે ઉતરી હાથમાં ખુલ્લી છરી લઈ આવેલા અને ગાળો આપી કહેવા લાગેલ કે, તને આજે જીવતો નથી રહેવા દેવો તેમ કહી તેમની પાછળ મારવા દોડતા તે રેકડીથી ભાગવા લાગેલ હતો.દરમિયાન ત્રણેય શખ્સો રિક્ષામાં બેસી પાછળ થયેલા અને તે દોડીને પારિજાત સોસાયટી શેરીમાં પહોંચેલો ત્યારે મારી પાછળ રિક્ષામાં બેસી દોડેલા બંને શખ્સો પહોંચી ગયેલ અને ત્યારે પાછળ તેમને છોડાવવા અજય આવેલો હતો. હુમલાખોરોએ બંને યુવાન પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જાણવા મળેલ કે, હુમલો કરનાર અમીન કટારીયા હતો. જેણે છરીના ચાર ઘા શરીરે આડેધડ ઝીંકી દિધા હતાં. તેમજ તેની સાથેનો બીજો શખ્સ અહેમદ કટારીયા પણ ઘસી આવેલ અને તેને પણ છરીથી ઘા ઝીંક્યા હતાં.દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલ અજયને પણ પાછળ દોડી બંને ભાઈઓ છરીના ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં બનાવ સ્થળે લોકો એકઠાં થતાં આરોપીઓ રીક્ષામાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદી અને તેની સાથેના યુવાનને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
પત્ની સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી 16 વર્ષીય કિશોરનું માથું ફોડી નખાયું
મનહરપુર ગામે નવી કોર્ટની સામે રહેતા અને કલરકામનો ધંધો કરતા ભોલાભાઈ શ્રીરામ સોનખટ (ઉ.વ. 42)એ યુનિવર્સીટી પોલીસમાં એક મહિલા સહીત ચાર શખ્સોના નામ આપ્યા છે. ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતો ત્યારે ખબર પડી હતી કે, તેમના બંને પુત્રો કિશન અને કનૈયા(ઉ.વ.16)સાથે કોઈ માથાકૂટ કરે છે. જેથી ફરિયાદી અને તેની પત્ની બહાર નીકળતા પુત્ર કનૈયાને માથાના ભાગે ઇજા થયાનું ધ્યાને આવ્યું હતું. જેથી પુત્ર ને દવાખાને લઇ ગયાં બાદ ઇજા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, અગાઉ ગણેશ ચતુર્થીના રોજ મોટા ભાઈ કિશન સાથે હુમલાખોર લંબુભાઈની પત્નીને બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી લંબુભાઈ, તેની પત્ની, બદરીનાથ, ભોલાભાઈ ધસી આવ્યા હતા અને કિશનભાઈને ધોકા-પાઇપ વડે માર મારતા હતા ત્યારે વચ્ચે પડતા લંબુભાઈએ માથાના ભાગે પાઇપ મારી દેતા લોહીલુહાણ થઇ ગયો હતો.
બસ સ્ટેન્ડની અંદર ચાર શખ્સોનો રીક્ષાચાલક પર હુમલો : માથામાં ઈટ ઝીંકી, છરી પોરવી દેવાઈ
એ ડિવિઝન પોલીસમાં જંગલેશ્વર વિસ્તારમાં અંકુર સોસાયટીમાં રહેતા રીક્ષાચાલક અનિસ અજીજભાઈ શેરુકા (ઉ.વ.29)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના અગિયારેક વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા લઈને બસ સ્ટેશન ખાતે આવી રીક્ષા પાર્ક કરી બસ સ્ટેન્ડની અંદર લોબીમાં ભાડા માટે પેસેન્જર ગોતવા માટે ગયેલ હતો. ત્યારે સમીર શાહ ઉર્ફે બાઘો ફેજમહંમદ ફકીર તથા તેનો ભાઈ ચકી ફેજમહંમદ ફકીર અને એજાજ અને તેમના પિતા ફેજ મોહમ્મદ ફકીર એમ ચારેય જણા મારી પાસે આવેલ હતા. બાઘાએ આવીને એવુ કહ્યું હતું કે, કાલે રાત્રે તું મારા બાપા સામે શું પાવર કરતો હતો, તું મને ઓળખસ તો ખરો ને તેમ કહી આ ચારેય શખ્સો ફરિયાદીને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતા. બાદમાં ફેજમહંમદે ઈટના ટુકડા જેવો પથ્થર કપાળના ભાગે એક ઘા મારેલ અને મને લોહી નીકળતા હું ભાગીને બસ સ્ટેન્ડની બહાર જતો હતો ત્યારે ચકી મારી પાછળ દોડી આવ્યો હતો. ચકીએ મને તેમના હાથમાં રહેલ છરીનો એક ઘા કમરના જમણી બાજુના ભાગે મારી દઈ ચારેય નાસી ગયાં હતા.
- ઉલ્લેખનીય છે કે, હુમલાની આગલી રાત્રે ફેઝમહંમદે માંગેલા 500 રૂપિયા નહિ આપતાં હુમલો કરવામાં આવ્યો હતો.
- સાસુ-સસરા પર કરેલી ફરિયાદનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સો છરી-ધોકા વડે તૂટી પડ્યા
ગાંધીગ્રામ પોલીસમાં જીનુભાઇ વલ્લભભાઇ સઠોડ(ઉ.વ.32) નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે મે થોરાળા પોલીસમાં મારા સાસુ-સસરા વિરુધ્ધ ફરીયાદ કરેલ હરો જેનો ખાર રાખી મારા સાળાના સાળા નિલેશ ઉર્ફે દોઢિયો ભરતભાઇ પરમારે ગત મોડી રાતે સાડા બારેક વાગ્યે હુ અને મારા પત્ની રામાપીર ચોકડીના પુલ નીચે સુતા હતા. ત્યારે નિલેશ ઉર્ફે દોઢિયો પોતાની સાથે તેનો ભાણીયો પવન નિતેશભાઈ ઝાલા તથા પ્રેમ વિનોદભાઇ કડેવર ત્રણે રહે. કુબલીયાપરાવાળાને લઈને ધસી આવ્યો હતો અને મને બેઠકના ભાગે, ડાબા પગમાં સાથળ અને ગોઠણના ભાગે છરી ઝીંકી દીધી હતી. જે બાદ પ્રેમ કડેવારે રસ્તા પર પડેલો ધોકો મને ડાબા પગના પંજામાં મારી દીધો હતો. યુવકે હાલ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.