- કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી લિવ-ઈન રિલેશનશિપ સક્ષમ સત્તાધિકારી/ટ્રિબ્યુનલમાં નોંધાવી ફરજિયાત
હાલમાં લીવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે સરકારે લીવ-ઇનને લઈને એક મહત્વનો નિણર્ય લીધો છે. જેમાં રાજસ્થાન હાઈકોર્ટે લિવ-ઈન સંબંધોની નોંધણી માટે વેબ પોર્ટલ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી, આ સંબંધો સક્ષમ અધિકારી સાથે નોંધાયેલા હોવા જોઈએ. આ પગલાનો ઉદ્દેશ્ય પરિવારો અને સમાજ તરફથી જોખમોનો સામનો કરી રહેલા લિવ-ઇન પાર્ટનર્સની વધતી જતી સુરક્ષા અરજીઓને સંબોધિત કરતી વખતે યુગલો અને તેમના બાળકોને સુરક્ષિત કરવાનો છે.
આ અંગે જસ્ટિસ અનોપ જુમર ધંડની સિંગલ જજની બેન્ચે કેટલાંક લિવ-ઇન યુગલો દ્વારા રક્ષણ મેળવવાની અરજીઓ પર સુનાવણી કરી હતી. જેમાં ન્યાયાધીશે અવલોકન કર્યું કે જ્યાં સુધી આવો કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી લિવ-ઈન-રિલેશનશિપ સક્ષમ સત્તાધિકારી/ટ્રિબ્યુનલમાં નોંધાયેલ હોવી જોઈએ.
કોર્ટે લિવ-ઇન રિલેશનશીપને “યુનિક” ગણાવ્યું અને કહ્યું કે તેને નિયંત્રિત કરવાની જરૂર છે. “લિવ-ઇન રિલેશનશિપનો વિચાર અનોખો અને આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં સમસ્યાઓ ઊભી થવાની શક્યતા ઘણી અને પડકારજનક છે. આવા સંબંધમાં સ્ત્રીની સ્થિતિ પત્ની જેવી નથી અને સામાજિક મંજૂરીનો અભાવ છે.” આ સાથે બેન્ચે જણાવ્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટ સક્ષમ અધિકારી/ટ્રિબ્યુનલ દ્વારા રજીસ્ટર કરાવવા માટે જવાબદાર છે, જે સરકાર દ્વારા સ્થાપિત કરવું જરૂરી છે.
ખંડપીઠે આ આદેશની નકલ હાઈકોર્ટની મોટી બેંચ, મુખ્ય સચિવ, અગ્ર સચિવ, કાયદા અને ન્યાય વિભાગ તેમજ સચિવ, ન્યાય અને સમાજ કલ્યાણ વિભાગ, નવી દિલ્હીને આ બાબતની તપાસ કરવા માટે મોકલવાનો પણ નિર્દેશ આપ્યો હતો.