મંત્રીના હસ્તે આલણસાગર ડેમ ખાતે રૂ. 70 લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ- અંદાજે રૂ. 200 લાખના ખર્ચે ડેમના મરામત અને જાળવણી કામ-તળાવના નીરનું પૂજન-અર્ચન
રાજકોટ: જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતાં.
જળસંપત્તિ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આલણસાગર ડેમ તો જસદણ તાલુકાનું પાણિયારું કહેવાય, જેના જળનો લાભ લઈ સમગ્ર જસદણ પંથક સમૃદ્ધ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહીં વૃક્ષારોપણ, બેસવાના બાંકડા સહિતની વ્યવસ્થાઓ કરીને બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.
હાલ જસદણ-વિંછીયા પંથકમાં કેનાલો પાકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નળ સે જળ, સૌની વગેરે જેવી અનેક યોજનાઓના અમલીકરણથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા પ્રયાસશીલ છે. ત્યારે રાજયસરકારની ગુજરાતને પાણીદાર બનાવવાની નેમ પૂરી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આલણસાગર ડેમનું મરામત અને જાળવણી કામ અંદાજે રૂ. 200 લાખના ખર્ચે કરાયું છે. જસદણ, બાખલવડ, ગઢડીયા, શિવરાજપુર, નાની લાખાવડ, ચિતલીયા, પોલાણપર એમ કુલ 07 ગામોના લોકો અને 1200થી વધુ ખેડૂતો આણલસાગર ડેમનો લાભ લઈ રહ્યા છે. આ ડેમમાં 496 M.C.F.T. જેટલો પાણીનો સંગ્રહ થઈ શકે છે.
આ તકે અગ્રણી ભાવેશ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરી, અગ્રણીઓ પંકજ જોશી અને અશોક મહેતા સહિત અધિકારીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.