- વકફ બોર્ડના નામે મિલકત પડાવી લેવાનું કારસ્તાન ઝડપાયું
- ભાડુઆતોને જાણ કર્યા વિના જ ટોળાં સ્વરૂપે ધસી જઈ બે દુકાનના તાળા તોડી નાખી સામાન બહાર ફેંકી દેવાયો
- મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહિતના ટોળાં વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ
રાજકોટ શહેરમાં વકફ બોર્ડના નામે મિલ્કત પડાવી લેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. દાણાપીઠમાં 70 વર્ષથી વધુ સમયથી દુકાનના ભાડા પેટે અપાયેલી બે દુકાનના તાળા તોડી તેમજ એક દુકાનના ભાડુઆતને ધાક ધમકી આપી વિધર્મીઓના ટોળાંએ કબ્જો લઇ લીધો હતો. દુકાનમાંથી સામાન બહાર ફેંકી રહેલા વિધર્મીઓના ટોળાંને ભાડુઆતે આવું નહિ કરવા જણાવતા અમને વકફ બોર્ડે મિલ્કતનો કબ્જો લઇ લેવા આદેશ આપ્યો છે તેવો દાવો કરી વિધર્મીઓના ટોળાંએ દુકાનનો કબ્જો લઇ લીધો હતો. સમગ્ર મામલે ભાડુઆતે પોલીસને જાણ કરતા પીઆઈ સહીતની કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલામાં ઉચ્ચ સ્તરે રજુઆત થયાં બાદ એ ડિવિઝન પોલીસે દુકાનનો કબ્જો લઇ લેનાર મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહીત અજાણ્યા શખ્સોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર મામલામાં રેસકોર્સ રોડ પર કિરણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ કોટેચા(ઉ.વ.72) નામના વૃદ્ધ વેપારીએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોચીબજાર દાણાપીઠ મેઇન રોડ, નવાબ મસ્જીદની બાજુમાં મારી મંડપસર્વિસની દુકાન આવેલ છે. છેલ્લા સીતેરેક વર્ષ પહેલા મારા પિતાજીએ નવાબ મસ્જીદના ટ્રસ્ટની ભાડાની આ દુકાનમાં મંડપસર્વિસની દુકાન ચલાવતા હતા અને છેલ્લા પચાસેક વર્ષથી હું પોતે આ દુકાન ચલાવું છું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા.31/12/2024 ના રોજ હું સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ મારી મંડપસર્વિસની દુકાનની સામે મારા ભત્રીજા કનૈયાલાલ રસીકલાલ કોટેચાની તેલ-ખાંડની દુકાન આવેલ હોય ત્યા તેની દુકાનની ઓટલીએ બેસેલ હતો. ત્યારે મારી મંડપ સર્વીસની દુકાન સામે આવેલ છે તે તથા મારી દુકાનની બાજુમાં બીજી બે દુકાનો આવેલી છે. જેમાં એક અભિષેકભાઈ મહેશભાઈ આડઠક્કર તથા એક હસમુખભાઈ ભાઈચંદભાઈ મહેતાની દુકાનો છે, જે બંને દુકાનો પણ નવાબ મસ્જીદના ટ્રસ્ટની હોય અને પોતે ભાડેથી ચલાવે છે. હું મારા ભત્રીજાની દુકાને બેઠો હતો ત્યારે પાંચેક શખ્સોનું ટોળું મારી તથા હસમુખભાઈ ભાઈચંદભાઈ મહેતાની દુકાનનુ તાળુ તોડી દુકાનમાં રહેલ સામાન બહાર ફેંકવા લાગેલ હતા. જેથી હું મારી દુકાને ગયેલ અને મે તે માણસોને કહેલ કે, તમે મારી દુકાનનુ તાળુ તોડી અને સામાન કેમ બહાર કાઢો છો? જેથી તેમાથી એક માણસે મને કહેલ કે મારૂ નામ ફારૂકભાઈ મુસાણી છે અને હુ નવાબ મસ્જીદનો ટ્રસ્ટી છુ. વધુમાં ફારૂક મુસાણીએ જણાવ્યું હતું કે, અમારી વકફ બોર્ડે મસ્જીદની દુકાનો તમને જુના ભાડેથી આપેલ છે તે ખાલી કરવાનો હુકમ કરેલ છે. જે બાદ ફરિયાદીએ બાજુમાં આવેલી દુકાન ધરાવતા અભિષેકભાઈ મહેશભાઈ આડઠક્કરને ફોન મારફત આ બાબતની જાણ કરી હતી.
ફરિયાદીના જણાવ્યા અનુસાર થોડીવારમાં અભિષેકભાઈ આડઠક્કર પણ ત્યા આવી ગયેલ હતા. ત્યારે ફારૂકભાઇ મુસાણીએ અભિષેકભાઈને કહેલ કે તમારી દુકાનનું તાળુ તમે ખોલી અને દુકાનમાં રહેલ સામાન જાતે જ બહાર લઇ લો નહીંતર અમે તાળું તોડી સામાન બહાર ફેંકી દઈશું તેવી ધમકી આપી હતી. જેથી અભિષેકભાઈએ ટોળાંથી ગભરાઈ જાતે જ દુકાનમાથી ગેરેજનો સામાન બહાર કાઢી લીધેલ હતો. બાદ મે આ મરજીદના ટ્રસ્ટી ફારૂકભાઇ મુસાણીને કહેલ કે તમે અમને દુકાન ખાલી કરવાની કોઈ વાત કરેલ નથી અને તમે અમને આજે સીધા દુકાન કેમ ખાલી કરાવો છો? જેથી ફારૂકભાઇ મુસાણીએ કહેલ કે, તાત્કાલિક અસરથી આ દુકાનનો કબ્જો અમને સોંપી દયો અને બાકીનો દુકાનમાં રહેલ સામાન તમારી રીતે બહાર કાઢી લ્યો નહીતર અમે તમારી દુકાનનો બધો સામાન બહાર ફેંકી દઇશું તેવી ધમકી આપેલ હતી. બાદમાં ફારૂક મુસાણીએ એક કાગળ બતાવેલ હતો જે ગુજરાત રાજ્ય વફ્ફ બોર્ડ ગાંધીનગર તા.19/12/2024 વાળા લેટર પેડનો હોય જે અમોને વંચાવી અને કહેલ કે તમે દુકાનનો કબ્જો ખાલી કરી અને મસ્જીદને સોપી દેજો. જે બાદ મેં 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસની ગાડી આવેલ અને બાદમાં ફરિયાદી અને અભિપષેકભાઈ આડઠક્કર એ ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
વિધર્મીઓ દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યના સમાચાર ઝડપથી પ્રસરી જતાં ઉચ્ચ સ્તર સુધી અહેવાલ પહોંચ્યા હતા. જે બાદ એ ડિવિઝન પોલીસે નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી અને પાંચેક લોકોના ટોળાં વિરુદ્ધ બીએનએસની કલમ 189(3),190,329(3),351(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલ મામલાની તપાસ પીએસઆઈ બી એચ પરમાર ચલાવી રહ્યા છે.
તાત્કાલિક કબ્જો લઇ લેવા કોઈ આદેશ કરાયો નથી : વકફ બોર્ડ
સમગ્ર મામલામાં વકફ બોર્ડે તાત્કાલિક ત્રણેય દુકાનોનો કબ્જો લઇ લેવા આદેશ કર્યો છે તેવી શેખી નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણીએ હાકી હતી. ત્યારે આ મામલે વકફ વોર્ડના હોદેદારોનો સંપર્ક કરતા ભાંડાફોડ થયો હતો કે, વકફ બોર્ડે તાત્કાલિક કબ્જો લઇ લેવા કોઈ જ આદેશ કર્યો નથી પરંતુ આ દુકાનોના કબ્જા મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે કાયદેસરની કાર્યવાહી હેઠળ ભાડુઆતોને ત્રણ વાર નોટીસ આપ્યા બાદ પોલીસ સમક્ષ અરજી કરીને બંદોબસ્ત અને ભાડુઆતોને સાથે રાખીને કબ્જો લેવાનો હોય છે.
ભાડુઆતોને કોઈ નોટિસ આપ્યા વિના કે મૌખિક જાણ કર્યા વિના જ ટોળાંએ કબ્જો લીધો
નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહિતના ટોળાંએ ત્રણેય દુકાનોનો કબ્જો લેવા ત્રણ પૈકી એક પણ ભાડુઆતને લેખિત કે મૌખિક જાણ કરી ન હતી. કાયદાકીય પ્રક્રિયા અનુસાર ભાડુઆતને ત્રણ વાર નોટીસ આપ્યા બાદ તેમનો જવાબ વકફ બોર્ડમાં મુકવાનો હોય છે અને ત્યારબાદ ટ્રીબ્યુનલ આ અંગે નિર્ણય લેતી હોય છે પરંતુ આ કિસ્સામાં એક પણ ધારાધોરણોનું પાલન કર્યા વિના કાયદો હાથમા દુકાનના તાળા તોડી કબ્જો લઇ લેવાયો હતો.