- એક અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું
- LCB,DYSP અને ટંકારા પોલીસની જુદી જુદી ટીમો બનાવી બાળકોને શોધવા કવાયત હાથ ધરી
મોરબીના ટંકારા પંથકના કાંતિ નામના ખેડૂત પરિવારના ત્રણ વર્ષના હાર્દિક અને દોઢ વર્ષના વૈભવ બે બાળકોનું અપહરણ કરાયું હતું. તેમજ એક અજાણી મહિલા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મોરબી LCB,વાંકાનેર DYSP અને ટંકારા પોલીસની જુદી જુદી ટીમો બનાવી બાળકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ મોડીરાત્રીના આરોપી મહિલા અને બંને બાળકોને સાથે પકડી પાડ્યા અને બાળકોને તેના પરિવારને પરત સોંપ્યા હતા. પોલીસે મહિલા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધી અપહરણ શા માટે કરાયું હતું તે અંગે તપાસ હાથ ધરી છે. તેમજ ફરિયાદી પરિવારએ DYSP, LCB, PIનો આભારમાની ફૂલ હારથી સન્માન કર્યું હતું.
આ અંગે મળતી મહતી અનુસાર, ટંકારા તાલુકાના નેકનામ ગામની સિમમાંથી ગઈકાલે સવારના સમયે ખેતશ્રમિકના બે દોઢ વર્ષ અને ત્રણ વર્ષના પુત્રનું અપહરણ થતા ગંભીર બનાવ મામલે વાંકાનેર ડીવાયએસપી, એલસીબી, અને ટંકારા સ્થાનિક પોલીસની ટીમોએ રાત ઉજાગરા કરી તમામ તાકાત કામે લગાડી બાળકોનું અપહરણ કરનાર મહિલાને અવાવરુ જગ્યાએથી દબોચી લઈ બાળકોને મુક્ત કરાવ્યા હતા.
માસૂમ બાળકોના અપહરણની આ ચોકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કાંતિ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા પડધરી તાલુકાના દહીંસરડા ગામના કેસર બારિયા ઉ.23એ ટંકારા પોલીસ મથકમાં ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના ત્રણ વર્ષના પુત્ર હાર્દિક અને દોઢ વર્ષના પુત્ર વૈભવનું વાડીની ઓરડી પાસે રમતા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરીને લઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવતા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ટંકારા પીઆઈ એસ.કે.ચારેલે નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરને જાણ કરતા એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી સીસીટીવી, હ્યુમનસોર્સ અને ટેક્નિકલ ટીમોને મેદાને ઉતારી તમામ દિશામાં અલગ અલગ ટીમોને દોડાવી હતી. બીજી તરફ પોલીસની મહેનત પણ રંગ લાવી હતી અને બાતમીદારો મારફતે બાળકોનું અપહરણ કરનાર મહિલા હોવાની જાણકારી મળી હતી.
દરમિયાન ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી પોલીસ ટીમોને બાળકોનું અપહરણ કરનાર મહિલા વાંકાનેર તાલુકાના વાલાસણ તરફ ગઈ હોવાની સચોટ માહિતી મળતા પોલીસે તમામ તાકાત કામે લગાડી વાલાસણ ગામની સીમમા તપાસ શરૂ કરતા એક અવાવરું જગ્યાએથી અપહરણ કરનાર મહિલા બન્ને માસૂમ બાળકો સાથે મળી આવતા મહિલા અને માસૂમ બાળકોને ટંકારા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને માસૂમ બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા. બીજી તરફ બાળકોનું અપહરણ કરનાર મહિલાએ પોલીસને પણ ચકરાવે ચડાવી હોવાનું અને પોતાનું ફર્યું ફર્યું નામ બોલતી હોય પોલીસે મહિલાની સાચી ઓળખ મેળવવા તપાસ જારી રાખી છે.
માસૂમ બાળકોને અપહરણ કરનાર મહિલાની ચંગુલમાંથી મુક્ત કરાવી સહી સલામત શોધી કાઢવાની સફળ કામગીરી વાંકાનેર ડીવાયએસપી એસ.એચ સારડા, ટંકારા પીઆઈ એસ.કે ચારેલ, એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, ટંકારા પીએસઆઈ એમ.જે.ધાધલ, વાંકાનેર તાલુકા પીઆઈ ડી.વી.ખરાડી, તથા ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પ્રેમજીભાઇ ચાવડા, કોન્સ્ટેબલ હિતેંદ્રસિંહ મનુભા, અજયભાઈ સગરામભાઈ, રમેશભાઈ સોમાભાઈ તથા એલસીબી ટીમ સહિતના સ્ટાફે કરી હતી.