- પોસ્ટ મેન અને દુકાનદારે મળી આધારકાર્ડની કામગીરી કરી પૈસા વસુલ્યા
- આધારકાર્ડની કામગીરી માટે 1000થી લઈને 3000 રૂપિયા વસુલતા
મોરબીમાં હાલમાં APAAR આઇડી kyc ને લઇને આધારકાર્ડ કેન્દ્રો પર ખૂબ ભીડ જોવા મળી રહી છે. અને કલાકો સુધી લોકોને લાઈનમાં ઉભુ રહેવું પડતું હોવાથી હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તકનો લાભ લઇ પોસ્ટ મેન અને દુકાનદારે મળી આધારકાર્ડ અપડેટ કરવાના 1000થી લઈને 3000 રૂપિયા વસૂલ કરતા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. શહેરના સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરની દુકાનમાં બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા એક પોસ્ટમેન તથા ઓનલાઇન સેન્ટરના માલીક સહિત બન્ને ભેજાબાજોની સીટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. આરોપીઓ સામે છેતરપિંડી તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,મોરબીના કુબેરનગર-3 મેઈન રોડ ઉપર ભાડેના મકાનમાં રહેતા મૂળ રાજકોટ મવડી મેઈન રોડ નવલનગર શેરી નં.8 ના રહેવાસી પરાગ હરસુખલાલ વસંત ઉવ.37 દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે આરોપી વિજય સરડવાએ પોતાની ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપી પોસ્ટમેન જયેશ સરાડવા ઉવ. 41 રહે. ઉમીયાનગર ધુનડા રોડ કેશવપેલેસ 301 મોરબી મુળ ગામ સરવડ તા.જી. મોરબીવાળાની આઇ.ડી નંબર 70035 નંબર વાળી કીટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમાં કોઇ પણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઇ.ડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઇપણ રીતે બનાવટી બાયોમેટ્રીક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઇ કરી હતી.
જેને આધારે હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ બન્ને ઈસમો આધાર કાર્ડ અપડેટ કરવા માટે 1000 થી લઇ 3000 રૂપિયા સુધી નો ચાર્જ વસૂલ કરતા હતા જેમાં સરકારી ફી માત્ર 50 થી 100 રૂપિયા છે અને આ બન્ને ઈસમો ગ્રાહક ની સ્થિતિ અને તેની ઉતાવળ ને જોઈને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરતા હતા હાલ આ બન્ને ઈસમોને પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં કેટલા આધારકાર્ડ માં સુધારો કરી આ રીતે રૂપિયા વસૂલ કર્યા છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.