- હિન્દુ સંગઠન અને માલધારી સમાજ માળીયા મામલતદાર કચેરીએ પહોચ્યાં
- ગૌ-હ*ત્યારાઓને કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયું
મોરબીના માળિયામાં ગાયો ચરાવવાના નામે કતલ કરવાના કૌભાંડ મામલે હિન્દુ સંગઠનો અને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ બહોળી સંખ્યામાં હિન્દુ સંગઠન અને માલધારી સમાજ માળીયા મામલતદાર કચેરીએ પહોચ્યાં હતા. 13 ગાયો કતલ કરી હોવાના ગુનામાં વધુ ગાયોની કતલ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને વધુ આરોપીઓ હોય યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી. ગૌ-હત્યારાઓને કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રણ વિસ્તારમાં ગાયોની કતલ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે માલધારીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા માળિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગૌહત્યા બંધ કરવામાં આવે તથા ગાયોની હત્યા કરનારાઓને આકરી સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા જલાભા શિયાર અને બળદેવભાઈ મેવાડા દ્વારા પોતાની 50 જેટલી ગાય ચીખલી ગામે રહેતા મુસ્તાક અને તેના પિતા આમિનભાઈને ચરાવા અને રખેવાળી કરવા માટે તેને આપી હતી. તેના બદલામાં તેને દર મહિને 10,000 જેટલી રકમ પણ આપવામાં આવતી હતી. જોકે આ 50 પૈકીની 14 ગાય ગુમ થઈ હતી. જેથી કરીને આ બાબતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આ ગુનામાં મુસ્તાક અને આમીન તથા અન્ય ચાર આમ કુલ મળીને છ શખસની ધરપકડ કરી છે. ચીખલી ગામ પાસેના રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાયોની કતલ કરવામાં આવી છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે લોકો દ્વારા ગાયોની કતલ કરવામાં આવી હોય તે આરોપીઓની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ તકે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી જીલેશભાઈ કાલરીયા અને હિન્દુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માલધારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર મોરબી જિલ્લામાં ગૌહત્યા બંધ કરવામાં આવે અને ગૌહત્યા કરનારાઓની સામે આકરામાં આકરી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન અને રજૂઆતો ચાલુ રહેશે તેવી ચીમકી માલધારીઓ અને હિન્દુ સંગઠનના આગેવાનોએ ઉચ્ચારી છે. તેમજ આવતીકાલે માલધારીઓને સાથે રાખીને હિન્દુ સંગઠનો જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર પાઠવવાના છે.