- દારૂ બનાવવાનો પ્લાન ઝાડી ઝાંખરા વચ્ચે ખડક્યો હતો
- પોલીસે સેમ્પલ લઈ દેશી દારૂના આથો અને દેશી દારૂનો કર્યો નાશ
- હળવદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મોરબીના હળવદમાં દંપતી સંચાલિત દેશી દારૂનો અડ્ડો ઝડપાયો હતો. દેશી દારૂ બનાવવાનો પ્લાન ઝાડી ઝાંખરા વચ્ચે ખડક્યો હતો. હળવદ પોલીસે 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો,100 લીટર દેશી દારૂ અને એક બંદૂક સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરમિયાન વશરામ મકવાણા અને દીપુ મકવાણા નામના દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસે સેમ્પલ લઈ દેશી દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો હતો. આ દરમિયાન હળવદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, હળવદમાં દંપતી સંચાલિત દેશી દારૂનો અડ્ડો ઝડપાયો હતો. જેમાં ચૂંપણી ગામના વશરામ મકવાણા તેઓની ગામની સીમમાં આવેલ વાડીએ ખેતીની સાથે સાથે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે વાડીએથી 200 લીટરના 18 બેરલ મળી કુલ 3600 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ બે 50-50 લિટરના દેશી દારૂના કેલબા મળી કુલ 100 લીટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંદૂક મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની આ કાર્યવાહીમાં આરોપી વાડી માલિક વશરામ મકવાણા રહે ચુપણી અને તેના પત્રી દીપુ મકવાણાની અટકાયત કરી પ્રોહીબિશન તેમજ આર્મસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના PI આર. ટી વ્યાસ ASI અજીતસિંહ સિસોદિયા, દિનેશ બાવળીયા, નરેન્દ્રભારથી ગોસ્વામી, વિપુલ ભદ્રાડીયા, હરવિજસિંહ ઝાલા, રણજીતસિંહ રાઠોડ, દીપકસિંહ કાઠીયા સહિતનાઓ રોકાયેલા હતા.
અહેવાલ: જય વિરાણી