- પેરાજકોટના રુદ્રી ક્રિએશનને ગત વર્ષે મિલેટ મહોત્સવમાં થઈ હતી રૂ. 60 હજારની કમાણી
- પેગુજરાત સરકાર ખેડૂતોની આવક અને લોકોના પોષણસ્તરને વધારવા પ્રયત્નશીલ
ગુજરાત સદાય કૃષિ ક્ષેત્રે નવીનીકરણમાં અગ્રેસર રહ્યું છે. .ગુજરાત સરકાર જાડા અને બરછટ અનાજના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપે છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન – ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટમાં ’મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નું આયોજન કરાયું છે. રાજકોટ શહેરના નાના મૌવા સર્કલ પાસે તા. 8 અને 9 ફેબ્રુઆરીના રોજ મિલેટ એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે. જેમાં 60 પ્રદર્શન સ્ટોલ અને 15 જેટલા લાઈવ ફૂડ કોર્ટમાં મિલેટ્સ અને પ્રાકૃતિક શાકભાજીનું પ્રદર્શન કમ વેચાણ કરાશે. ત્યારે રાજકોટમાં આવેલું રુદ્રી ક્રિએશન મિલેટ મહોત્સવમાં જોડાવા ઉત્સાહી છે.રુદ્રી ક્રિએશન ડીસ્ટ્રીબ્યુટરનું સેલ્સ સંભાળતા અતુલભાઈ સોઢાએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મિલેટ્સના ઉપયોગ અંગે જાગૃતતા ફેલાવવાના સઘન પ્રયાસોના પરિણામે વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કર્યું હતું. મિલેટ યર બાદ મિલેટ ફૂડનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમારે મસરાણી’સ, લાયન, દોશી ફૂડસ, રોસ્ટી ટેસ્ટી, ઈટ વીક બ્રાન્ડના જવાર, બાજરો, કોદરી, કાંગ જેવા ધાન્યમાંથી બનાવેલા ખાખરા, ચેવડો, પૂરી, કુરમુરા, સોયા ક્રિસ્પી સહિતના નમકીનની માંગ રહે છે. આ ચીજવસ્તુઓ રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અમે વેચાણ અર્થે મોકલીએ છીએ. મિલેટ મહોત્સવનો ઉદ્દેશ પૌષ્ટિક અને ક્લાઇમેટ-રેઝિલિયન્ટ એટલે કે આબોહવા અનુકૂળ વિકલ્પ તરીકે પરંપરાગત અનાજને બદલે જાડા-બરછટ અનાજના ઉપયોગનો વ્યાપ વધારવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને તેનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ટકાઉ કૃષિના ધ્યેય સાથે મિલેટ એક્સ્પો, રવિ કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો થકી ખેડૂતોની આવક અને લોકોના પોષણસ્તરને વધારવા પ્રયાસશીલ છે. ત્યારે શહેરીજનોને મિલેટ એક્સ્પોનો મહત્તમ લાભ લેવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ છે.