- માર્કેટમાં આજે તેજી પણ અદાણીના શેર રેડ ઝોનમાં: અદાણી એન્ટરપ્રાઇઝ 3%, અદાણી પોર્ટ 3.5%, અદાણી પાવર 2.45%, અદાણી ગ્રીન 5.87%, અદાણી એનસોલ 7.80% તૂટ્યા
અદાણી ગ્રૂપના ચેરમેન અબજોપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં તપાસના સમાચારની અસર ગઈ કાલે શેરબજાર પર દેખાઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટી દિવસભર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. દરમિયાન, અદાણી સ્ટોક્સ હજુ પણ લાલ દેખાઈ રહ્યા છે.
ગઈકાલના ઘટાડા બાદ શુક્રવારે બીએસઇ સેન્સેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સે 77,349.74 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, તેના અગાઉના 77,155 ના બંધની તુલનામાં લગભગ 200 પોઈન્ટ્સનો વધારો થયો અને થોડીવારમાં, વેગ પકડીને, તે 608 પોઈન્ટ ચઢીને 77,764 ના સ્તરે પહોંચ્યો. બીજી તરફ, એનએસઇ નિફ્ટીએ પણ 181.30 પોઈન્ટ્સનો વેગ પકડ્યો હતો અને તે 23,541.10ના સ્તરે પહોંચ્યો હતો.
અબજોપતિ ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની, જેમાં ગઈકાલે અમેરિકામાં તપાસના સમાચાર આવ્યા બાદ હોબાળો થયો હતો. શુક્રવારે પણ અદાણી સ્ટોક્સ લાલ નિશાન પર ખુલ્યો હતો. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ના શેર્સ ઘટાડા સાથે ખુલ્યા છે અને 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય અમેરિકામાં જેની તપાસ ચાલી રહી છે તે કંપની અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 8.76 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝ 3 ટકા, અદાણી પોર્ટ 3.5 ટકા, અદાણી પાવર 2.45
ટકા, અદાણી ગ્રીન 5.87 ટકા, અદાણી એનસોલ 7.80 ટકા તૂટ્યા છે.બીજી તરફ એસીસી શેર, અંબુજા સિમેન્ટ શેર અને એનડીટીવીના શેરમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે શેરબજારમાં ઉછાળા વચ્ચે લગભગ 1462 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખૂલ્યા હતા, જ્યારે 889 શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. 119 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
બેન્કિંગ શેરોએ બજારને ટેકો આપ્યો હતો
ગુરુવારના ઘટાડા પછી, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બેંકિંગ શેરોએ બજારને ટેકો આપ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક શેર, એસબીઆઈ શેર, ઈંડુસિડ શેર લગભગ 1-2 ટકા ઉછળ્યો. આ સિવાય મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ એસજેવીએન શેર (4.54%), ગોદરેજ પ્રોપર્ટીઝ શેર (3.42%), પેટીએમ શેર (2.80%) ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં ઈકેઆઈ શેર 9.98%, કોપરાન શેર 8.29% અને ડીસીએએલ શેર 6.92% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પહેલા ગુરુવારે છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં નાસભાગનું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસભર ઘટાડા સાથે કારોબાર કર્યા બાદ 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટી પણ 171 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. દરમિયાન, અદાણી શેર્સમાં 20 ટકાનો ઘટાડો થયો હતો અને અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ. 2.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
અદાણીની માર્કેટ કેપમાં ગઈકાલે એક જ દિવસમાં 2.2 લાખ કરોડનો ઘટાડો
અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે યુએસ પ્રોસિક્યુટર્સે લાંચના આરોપો દાખલ કર્યા પછી જૂથની કંપનીઓના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થતાં જૂથની કુલ માર્કેટ મૂડીમાં આજે રૂ. 2.2 લાખ કરોડનો ઘટાડો થયો હતો. યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે અદાણી અને અન્ય લોકો સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારત સરકારના અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવાની યોજનામાં સામેલ હતા. પરંતુ અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવા માટે આ હકીકત છુપાવવામાં આવી હતી. ગ્રૂપની માર્કેટ મૂડી 20 સપ્ટેમ્બર, 2022ના રોજ રૂ. 22.96 લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી પરંતુ ગઈકાલે એક દિવસમાં માર્કેટ મૂડીમાં ત્રીજો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ગ્રૂપની માર્કેટ મૂડી તેની ટોચથી લગભગ રૂ. 10.9 લાખ કરોડ ઘટી છે.અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 22.6 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી ગ્રીન 19 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 20 ટકા ઘટ્યા હતા. અદાણી પોર્ટ્સ અને સેઝ 13.5 ટકા, અદાણી ટોટલ ગેસ 10.4 ટકા અને અદાણી વિલ્મર 10 ટકા ઘટીને બંધ થયા હતા. જૂથના અન્ય શેરોમાં 9.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.