નવી જંત્રી દર મામલે તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ રોષમાં
જંત્રી દરના કારણે ખેતી અને કારખાના પર માઠી અસર પડવાના આક્ષેપો
માણાવદર: સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી વિરોધ જોવા મળી રહ્યો છે. જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર માઠી અસર કરશે તેવા આક્ષેપો સાથે ખેડૂતો અને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ જંત્રી દરના વિરોધમાં રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તાલુકામાં જંત્રીદરમાં વધારો કરાશે તો ખેતી ભાંગી પડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ખેતી ભાંગી પડવાની અસર કારખાના પર પડવાની ભીતિ સર્જાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ નારાજગી દર્શાવી છે આ દરોના વિરોધમાં આજરોજ રેલી સ્વરૂપે જય માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો છે.
મુખ્યમંત્રી તથા સબંધિત સચિવો, સાંસદ, ધારાસભ્ય વગેરેને ઉદેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2011માં સરકારે જંત્રીના દર જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો જીકી દીધો હતો અને હવે એ જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર 180 થી 200 સુધીના જંત્રી દર હતા. તથા ઉદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર 300 થી લઈ 500 સુધીના દર હતા. જે તા. 18-4-2011ની જંત્રી મુજબના હતા. ત્યારબાદ તારીખ 15-4-2023 થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો 2024 નો નવો મુસદો તૈયાર કરાયો છે.
જેમાં પ્રતિ ચોરસ મીટર 1820 થી 5000 સુધી ઉદ્યોગિક હેતુને જંત્રી ચોરસ મીટર 3500 થી 5000 સુધી કરવાની તજવીજ ચાલી રહી છે આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ એક વીઘાના 70 થી 80 લાખ રૂપિયા થાય છે અને ખેતીના હેતુ માટેની જંત્રી એક વીઘાના 30 થી 50 લાખ થાય છે. જો આવા દતની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ રુંધાઈ જશે અને વેપાર જમીનના સોદા અટકી પડશે ખેતી પડી ભાંગશે વેપારનું નામું નખાઈ જશે! તેવા આક્ષેપો ખેડૂતો તથા વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો,
આમેય માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે તેવા સાધન રહ્યા નથી 125 જેટલા કપાસના કારખાના હતા. તેમાંથી 2025 માંડ ચાલે છે. મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં મળી ગયા છે અને તેમાંય જો જંત્રીદારનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે જ સાથે સાથે 20 થી 25 જેટલા કારખાના ચાલે છે તે પણ બંધ થઈ જવાની ભીતી ખેડૂતો તથા વેપારીઓમાં પ્રસરી ગઈ છે. આવા તમામ પ્રકારના આક્ષેપો ખેડૂતો તથા વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.